કુલદીપ યાદવની ગૂગલીમાં ફસાઈ જશે ગુજરાત કે શુભમન ગિલ મચાવશે ધમાલ?
કુલદીપ યાદવ , શુભમન ગિલ્લ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૩૨મી મૅચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે. છેલ્લી મૅચમાં જીતીને આવેલી બન્ને ટીમ મૅચમાં વધુ સારું પ્રદર્શન કરવા અને એકબીજાને હરાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. ગુજરાત ૬માંથી ૩ મૅચમાં જીતની મદદથી પૉઇન્ટ્સ-ટેબલમાં ૬ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે, જ્યારે દિલ્હી ૬માંથી માત્ર ૨ જીત મેળવી ૪ પૉઇન્ટસ સાથે નવમા ક્રમે છે. ભારતીય ક્રિકેટના ભવિષ્ય એવા ૨૪ વર્ષના શુભમન ગિલ અને ૨૬ વર્ષના રિષભ પંતની ટીમની આ ટક્કરમાં કોણ બાજી મારશે એના પર સૌની નજર રહેશે.
મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ગુજરાતે એના શ્રેષ્ઠ ઉપલબ્ધ બોલરોનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. ઉમેશ યાદવે અત્યાર સુધી ૭ વિકેટ લીધી છે, પરંતુ તેણે પ્રતિ ઓવર ૧૦થી વધુ રન આપ્યા છે. તેના નવા બૉલ-પાર્ટનર્સ સ્પેન્સર જૉનસન અને અનુભવી મોહિત શર્મા પણ તેમના ઇકૉનૉમી રેટમાં સુધારો કરી શકે છે. સ્ટાર સ્પિનર રાશિદ ખાને પોતાની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી છે, પરંતુ તે પોતાના ખાતામાં વધુ વિકેટ ઉમેરવા ઇચ્છશે. ૬ મૅચમાં ૨૫૫ રન ફટકારનાર શુભમન ગિલની ટીમ પાસે બૅટિંગ લાઇનઅપમાં ખામીઓ દૂર કરવાની સારી તક છે.
ADVERTISEMENT
દિલ્હી ફૉર્મ અને ફિટનેસના મુદ્દાઓને કારણે અત્યાર સુધી તેની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનને મેદાનમાં ઉતારવામાં નિષ્ફળ રહી છે. પાંચ મૅચમાં ચાર હાર બાદ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની જીતથી ટીમનું મનોબળ વધ્યું હતું, પરંતુ જો તેઓ પ્લેઑફમાં સ્થાન મેળવવાની રેસમાં પોતાની જાતને જાળવી રાખવા માગતા હોય તો તેમણે પોતાની ખામીઓને સુધારીને મૅચો જીતવી પડશે. ટીમ માટે સૌથી સકારાત્મક બાબત સુકાની રિષભ પંતનું બૅટિંગ-ફૉર્મ રહ્યું છે જે દરેક મૅચ સાથે વધુ સારું થઈ રહ્યું છે. છેલ્લી ત્રણ મૅચમાં વધુ યોગદાન ન આપી શકનાર ડેવિડ વૉર્નર અમદાવાદમાં ધમાલ મચાવવા આતુર હશે. દિલ્હીને જેક ફ્રેઝર મૅકગર્ક તરીકે ત્રીજા ક્રમે સારો બૅટ્સમૅન મળ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે ત્રણ વિકેટ લેનાર કુલદીપ યાદવ ફરી વિરોધી ટીમને ગૂગલીમાં ફસાવવા તૈયાર હશે ત્યારે અન્ય બોલર્સ ઓછા રન આપીને ઝડપથી વિકેટ લેવાનો પ્રયાસ કરશે. ગુજરાત સામેની ૩ મૅચમાં માત્ર ૧ મૅચ જીતનાર દિલ્હી આજે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં જીતનો રેકૉર્ડ બરાબર કરવાનો ભરપૂર પ્રયાસ કરશે.

