૮ વિકેટ ગુમાવીને સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલો ૧૬૩ રનનો ટાર્ગેટ ગુજરાત ટાઇટન્સે ૩ વિકેટે ચેઝ કર્યો : ૩ વિકેટ ઝડપીને મોહિત શર્મા સંયુક્ત રીતે બન્યો પર્પલ કૅપ હોલ્ડર
ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન શુભમન ગિલ અને ડેવિડ મિલર.
આજની મૅચ: મુંબઈ ઇન્ડિયન્સ v/s રાજસ્થાન રૉયલ્સ , સાંજે ૭.૩૦ વાગ્યે, વાનખેડે
આવતી કાલની મૅચ : રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ v/s લખનઉ સુપર જાયન્ટ્સ , સાંજે ૭.૩૦ વાગ્યે, બૅન્ગલોર
થોડા દિવસ પહેલાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર કરીને અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સને કચડી નાખવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈ કાલે ૭ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના બોલર્સે હૈદરાબાદના બૅટર્સને કાબૂમાં રાખતાં છેલ્લી બે મૅચથી ૨૦૦ પ્લસનો સ્કોર બનાવતા હૈદરાબાદને ૮ વિકેટે ૧૬૨ રન જ બનાવવા દીધા હતા. મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૮ સિક્સર ફટકારનાર હૈદરાબાદની ટીમ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં માત્ર ૭ સિક્સર ફટકારી શકી હતી. આ સાથે હૈદરાબાદની ટીમનો વિજયરથ અટક્યો હતો.
હૈદરાબાદે ટૉસ જીતીને બૅટિંગનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઇન્ડિયન્સના બોલર્સ માટે કાળ બનનાર હૈદરાબાદી બૅટર્સ ટાઇટન્સના બોલર્સ સામે ટકી શક્યા નહોતા અને એક પણ બૅટર ૩૦થી વધુ રન બનાવી શક્યો નહોતો. અભિષેક શર્મા અને અબ્દુલ સમદે સૌથી વધારે ૨૯-૨૯ રન કર્યા હતા. અફઘાન ત્રિપુટી (રાશિદ ખાન, અઝમતુલ્લા મિર્ઝા અને નૂર અહેમદ)એ હૈદરાબાદનો સ્ટાર બૅટર્સ (મયંક અગરવાલ, ટ્રૅવિસ હેડ અને હેન્રિક ક્લાસેન)ની વિકેટ લઈને ધમાલ મચાવી હતી. ઉમેશ યાદવ અને મોહિત શર્માની આક્રમક બોલિંગને કારણે હૈદરાબાદ ૧૬૨ રન જ બનાવી શક્યું હતું.
યંગ કૅપ્ટન શુભમન ગિલ (૩૬ રન)એ વૃદ્ધિમાન સહા અને સાઈ સુદર્શન સાથે ૩૦ પ્લસની પાર્ટનરશિપ કરીને ટાઇટન્સને મજબૂત શરૂઆત અપાવી હતી. સાઈ સુદર્શન (૪૫ રન) અને ડેવિડ મિલર (૪૪ રન) વચ્ચેની ૬૪ રનની પાર્ટનરશિપ ટાઇટન્સની બીજી જીત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. વિજય શંકર સાથે ૩૦ રનની પાર્ટનશિપ કરનાર ડેવિડ મિલરે અંતિમ ઓવરના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી ટાઇટન્સને પાંચ બૉલ બાકી રાખીને જીત અપાવી દીધી હતી. ૪ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લેનાર ડેથ ઓવર્સ સ્પેશ્યલિસ્ટ મોહિત શર્મા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ગુજરાત ૩ મૅચમાં ૬ વિકેટ લઈને ચેન્નઈ સુપર કિંગ્સના મુસ્તફિઝુર રહેમાન સાથે પર્પલ કૅપ હોલ્ડર બન્યો છે. ગુજરાત ૩ મૅચમાં બે જીતની મદદથી ૪ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે, જ્યારે હૈદરાબાદ ૩ મૅચમાં ૧ જીતની મદદથી બે પૉઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.
વનિન્દુ હસરંગા ૧૭મી સીઝનમાંથી આઉટ
શ્રીલંકાનો કૅપ્ટન અને સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગા ડાબા પગની એડીમાં ઈજા થતાં વર્તમાન સીઝનમાંથી આઉટ થઈ ગયો છે. હૈદરાબાદે તેને ૧.૫ કરોડમાં ખરીદ્યો હતો. છેલ્લી બે સીઝનમાં બૅન્ગલોરે ૧૦.૭૫ કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. તેણે ૨૬ મૅચમાં ૩૫ વિકેટ લીધી હતી.

