દિલ્હીને હરાવીને કલકત્તાએ જીતની હૅટ-ટ્રિક કરી, દિલ્હી ૧૦૦+ રનથી ૩ મૅચ હારનાર પ્રથમ ટીમ બની
અંગક્રિશ રઘુવંશી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં એક પછી એક રેકૉર્ડ બની રહ્યા છે. વિશાખાપટ્ટનમમાં દિલ્હી કૅપિટલ્સ સામે IPLના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર ખડકીને કોલકાતા નાઇટ રાઇડર્સે જીતની હૅટ-ટ્રિક કરી છે. બાવીસ ચોગ્ગા અને ૧૮ સિક્સરની મદદથી કલકત્તાએ ૭ વિકેટ ગુમાવીને ૨૭૨ રન ફટકાર્યા હતા. ગયા અઠવાડિયે હૈદરાબાદે મુંબઈ સામે ૩ વિકેટે ૨૭૭ રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો હતો. રન ચેઝ કરતી વખતે દિલ્હી ૧૮મી ઓવરમાં ૧૬૬ના સ્કોરે ઑલઆઉટ થઈ ૧૦૬ રનથી હારી ગયું હતું. IPLના ઇતિહાસમાં ૧૦૦ પ્લસ રનથી ત્રણ મૅચ હારનાર દિલ્હી પ્રથમ ટીમ બની છે. અસ્થાયી હોમ ગ્રાઉન્ડ વિશાખાપટ્ટનમમાં અંતિમ મૅચ હારનાર દિલ્હી ચાર મૅચમાં માત્ર એક જીત સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર નવમા સ્થાને છે, જ્યારે પ્રથમ વાર IPL સીઝનમાં સતત ત્રણ મૅચ જીતીને કૅપ્ટન શ્રેયસ ઐયરની ટીમ ૬ પૉઇન્ટ સાથે ટેબલ-ટૉપર બન્યું છે.
કલકત્તા માટે અંગક્રિશે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે IPL 2024માં પોતાની પ્રથમ મૅચમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૫૪ રન ફટકારીને ક્રિકેટજગતમાં સનસનાટી મચાવી દીધી હતી. ૧૮ વર્ષની ઉંમરે પ્રથમ IPL ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારનાર તે સૌથી યુવા બૅટ્સમૅન બન્યો હતો. તેણે બૅન્ગલોર સામે ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેને રમવાની તક મળી નહોતી. પ્રથમ IPL ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારનાર તે સાતમો યંગેસ્ટ અને ઓવરઑલ ત્રેવીસમો ખેલાડી બન્યો છે. હમણાં સુધી શ્રીવત્સ ગોસ્વામી ૧૯ વર્ષની ઉંમરે ડેબ્યુ મૅચમાં ફિફ્ટી ફટકારનાર સૌથી યંગેસ્ટ ખેલાડી હતો અને તે ૨૦૦૮માં બૅન્ગલોર માટે ડેબ્યુ મૅચમાં બાવન રનની ઇનિંગ્સ રમ્યો હતો. જમણેરી બૅટ્સમૅન રઘુવંશી દિલ્હીનો છે અને તેણે અન્ડર-19 વર્લ્ડ કપ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એ ટુર્નામેન્ટમાં તે ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે ટુર્નામેન્ટની ૬ ઇનિંગ્સમાં ૨૭૮ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
૧૧ વર્ષની ઉંમરે ઘર છોડીને મુંબઈ આવેલા અંગક્રિશ રઘુવંશીને કોચ તરીકે અભિષેક નાયરનું માર્ગદર્શન મળ્યું હતું. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર આ બૅટ્સમૅને દિલ્હી સામે આક્રમક ઇનિંગ્સ રમ્યા બાદ પોતાના કોચ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ‘અભિષેક નાયર મારા ગુરુ છે. તેમણે મને પ્રૅક્ટિસ કરાવી, મને કઠિન પરિસ્થિતિમાં મૂક્યો. પ્રૅક્ટિસ, વર્કઆઉટ અને ભોજન સહિત દરેક જગ્યાએ તેમણે મારી મદદ કરી હતી.’ કલકત્તાએ આ યંગ ટૅલન્ટને ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
મૅચમાં બનેલી બીજી રસપ્રદ ઘટનાઓ
IPLના ઇતિહાસના સૌથી મોંઘા ક્રિકેટર મિચેલ સ્ટાર્કે વર્તમાન IPLમાં આખરે વિકેટ લીધી હતી. છેલ્લે ૨૦૧૫ની ૨૨ મેએ તેણે બૅન્ગલોર માટે ચેન્નઈ સામે વિકેટ લીધી હતી. પ્રથમ બે મૅચમાં ૧૦૦ રન આપીને એક પણ વિકેટ ન લેનાર મિચેલ સ્ટાર્કે દિલ્હી સામે ૩ ઓવરમાં ૨૫ રન આપીને ડેવિડ વૉર્નર અને મિચેલ માર્શની વિકેટ લીધી હતી. ૮૫ રન કરી સુનીલ નારાયણ T20 કરીઅરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યો હતો. ત્રીજી વખત IPLના પાવરપ્લેમાં ફિફ્ટી પૂરી કરનાર સુનીલ નારાયણ કલકત્તા માટે ૧૪મી વખત પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ૧૩૫ રન કલકત્તાએ ૧૦ ઓવરમાં પૂરા કર્યા હતા જે IPLનો ૧૦મી ઓવર માટેનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. કૅપ્ટન રિષભ પંતને સ્લો ઓવર રેટ બદલ ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો હતો. ચેન્નઈ સામે પણ આ જ કારણથી તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. જો આગામી મૅચમાં આવી ઘટના ફરી બનશે તો તેના પર ૩૦ લાખ રૂપિયાના દંડની સાથે એક મૅચનો પ્રતિબંધ પણ લાગુ થશે. પંચાવન રન કરનાર કૅપ્ટન રિષભ પંત ૩૦૦૦ IPL રન કરવાનું ચૂક્યો હતો.

