મૅન ઑફ ધ મૅચ જાડેજાએ બે વિકેટ અને એક કૅચની કમાલ પછી બનાવ્યા અણનમ ૪૫ રન : રાહુલે બે કૅચ પકડ્યા પછી જડબેસલાક અણનમ ૭૫ રનથી ટીકાકારોને ચૂપ કરી દીધા

રવીન્દ્ર જાડેજા. આશિષ રાજે
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે સિરીઝની પ્રથમ વન-ડેમાં ભારતે ઑસ્ટ્રેલિયાને બૅટિંગનું આમંત્રણ આપ્યું ત્યાર બાદ મોહમ્મદ સિરાજે શરૂઆતમાં જ ઓપનર ટ્રેવિસ હેડની વિકેટ લઈને ઓડીઆઇ વર્લ્ડ કપ માટેના ભારતના પ્લાનિંગની શુભ શરૂઆત કરી હતી અને યોગાનુયોગ શૉન અબૉટ તથા ઍડમ ઝૅમ્પાની આખરી બે વિકેટ પણ સિરાજે જ લીધી હતી, પરંતુ એ દરમ્યાન બીજા ચાર બોલર્સે સ્ટીવ સ્મિથ ઍન્ડ કંપનીની બૅટિંગ લાઇન-અપને વારંવાર કરન્ટ આપ્યા હતા અને એટલે જ મહેમાન ટીમની ઇનિંગ્સ ૩૬મી ઓવરમાં માત્ર ૧૮૮ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ત્યાર બાદ ભારતે ૪૦મી ઓવરના અંત સુધીમાં પાંચ વિકેટના ભોગે ૧૯૧ રન બનાવીને ૩ મૅચની શ્રેણીમાં ૧-૦થી સરસાઈ લઈ લીધી હતી.
જાડેજા-રાહુલની ૧૦૮*ની ભાગીદારી
રવીન્દ્ર જાડેજા (૪૫ અણનમ, ૬૯ બૉલ, ૧૦૧ મિનિટ, પાંચ ફોર) અને કે. એલ. રાહુલ (૭૫ અણનમ, ૯૧ બૉલ, ૧૭૬ મિનિટ, એક સિક્સર, સાત ફોર)ની જોડીએ છઠ્ઠી વિકેટ માટે ૧૦૮ રનની અતૂટ ભાગીદારીથી ભારતનો વિજય આસાન બનાવી દીધો હતો.
મિચલ માર્શના ધમાકેદાર ૮૧
રવીન્દ્ર જાડેજા ઉર્ફે ‘બાપુ’ ઉર્ફે ‘જડ્ડુ’ આ જીતનો સુપરસ્ટાર હતો. તેણે માર્નસ લબુશેન (બાવીસ બૉલમાં ૧૫ રન)નો ડાઇવ મારીને અફલાતૂન કૅચ પકડ્યો તેમ જ સૌથી ડેન્જરસ બૅટર મિચલ માર્શ (૮૧ રન, ૬૫ બૉલ, ૯૯ મિનિટ, પાંચ સિક્સર, દસ ફોર) અને પાવર-હિટિંગનો અસલ ટચ ગુમાવી બેઠેલા ગ્લેન મૅક્સવેલ (૮ રન, ૧૦ બૉલ, ૨૯ મિનિટ, એક ફોર)ની મહત્ત્વની વિકેટ લીધી હતી અને પછી બૅટિંગમાં એક ગઢ સાચવી રાખીને અણનમ ૪૫ રન બનાવીને ભારતને વિજય અપાવ્યો હતો.
રાહુલ છે મુંબઈનો ‘જમાઈ’
કે. એલ. રાહુલે બૉલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે જાન્યુઆરીમાં લગ્ન કર્યાં હતાં. મેદાન પર કમબૅક કર્યા બાદ સફળ થવાના પ્રેશરમાં રાહુલે રમવાનું હતું અને એમાં તે પાંચમા નંબરે આવ્યા બાદ યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો. એ પહેલાં, ટૉપ-ઑર્ડર ફ્લૉપ ગયો હતો. ઓપનર્સ ઈશાન કિશને ૩ રન, શુભમન ગિલે ૨૦ રન, વિરાટ કોહલીએ ૪ રન બનાવ્યા હતા અને સૂર્યકુમાર યાદવ તો ઝીરોમાં જ આઉટ થયો હતો. ટૉપ-ઑર્ડરના પતનને કારણે મુસીબતમાં મુકાયેલી ટીમ ઇન્ડિયાની નૌકાને જાડેજા સાથે મળીને રાહુલે પાર કરાવી હતી. હાર્દિક (પચીસ રન, ૩૧ બૉલ, ૪૮ મિનિટ, એક સિક્સર, ત્રણ ફોર)ના રૂપમાં પાંચમી વિકેટ ૨૦મી ઓવરમાં ૮૩ રનના કુલ સ્કોર પર પડી ત્યાર બાદ રાહુલ-જાડેજાની જોડી સ્કોરને ૪૦મી ઓવરમાં ૧૯૧ રન સુધી લઈ ગઈ હતી અને ભારતનો યાદગાર વિજય થયો હતો. મિચલ સ્ટાર્કે ત્રણ અને સ્ટૉઇનિસે બે વિકેટ લીધી હતી. અબૉટ, ગ્રીન, ઝૅમ્પા અને મૅક્સવેલને વિકેટ નહોતી મળી.
બીજી વન-ડે રવિવારે વિશાખાપટનમમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી રમાશે.
6
ઑસ્ટ્રેલિયાએ એક તબક્કે આટલી વિકેટ ૮ ઓવરમાં ફક્ત ૧૯ રનમાં ગુમાવી દીધી હતી.
અમે પહેલાં ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં અને પછી અમારી ઇનિંગ્સમાં પ્રેશરમાં હતા, પરંતુ બન્ને વખતે સંયમ રાખીને રમ્યા એટલે જ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવી શક્યા. અમે જે રીતે આજે રમ્યા એ બદલ ખૂબ ગર્વ અનુભવું છું. જડ્ડુએ આઠ મહિને ફરી વન-ડેમાં જે રીતે રમવાનું હતું એવું જ તે રમ્યો. મેં મારી બોલિંગ અને બૅટિંગ બન્ને એન્જૉય કર્યાં. મેં મૅચ ફિનિશ કરી હોત તો મને વધુ ગમ્યું હોત, પરંતુ કે. એલ. અને જડ્ડુ જે રીતે રમતા હતા એ જોઈને મારા દિલને ખૂબ ટાઢક વળી હતી.
હાર્દિક પંડ્યા
અભિનંદન અને શાબાશી આપવા મૅચ-વિનર જાડેજા પાસે દોડી આવેલો કૅપ્ટન હાર્દિક પંડ્યા. તેની કૅપ્ટન્સીમાં ભારતે ટી૨૦ પછી હવે વન-ડેમાં પણ જીતવાનું શરૂ કર્યું છે. એ.એફ.પી.