૧૮ બૉલમાં ફટકારી સેકન્ડ-ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી : સેન્ચુરિયન મિલર, ડિકૉકે ભારતીયોના શ્ર્વાસ અદ્ધર કરી દીધા હતા

સાતમી ઓવરમાં સાપ ધસી આવતાં થોડી વાર માટે રમત અટકાવાઈ હતી.
ભારતે ગુવાહાટીમાં ગઈ કાલે સાઉથ આફ્રિકાને સિરીઝની બીજી ટી૨૦માં પણ હરાવીને ૨-૦ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો છે. મહેમાન ટીમના ૨૩૮ રનના લક્ષ્યાંક સામે ૩ વિકેટે ૨૨૧ રન બનતાં ભારત ૧૬ રનથી જીત્યું હતું. મિલર (૧૦૬ અણનમ, ૪૭ બૉલ, સાત સિક્સર, આઠ ફોર) અને ડિકૉક (૬૯ અણનમ, ૪૮ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની જબરદસ્ત ફટકાબાજી તથા ૧૭૪ રનની ભાગીદારી છેવટે પાણીમાં ગઈ હતી. અર્શદીપની ૧૯મી ઓવરમાં ૨૬ રન બન્યા હતા, પરંતુ અક્ષર પટેલની ૨૦મી ઓવરમાં ૩૭ને બદલે ૨૦ રન બની શક્યા હતા. એ પહેલાં, સાઉથ આફ્રિકાની ત્રીજી ઓવરમાં ભારે ગેરવ્યવસ્થા વચ્ચે ચારમાંથી એક ફ્લડલાઇટ ટાવર બંધ પડી જતાં ૧૮ મિનિટ માટે રમત અટકી ગઈ હતી. તમામ પ્લેયર્સ ડ્રેસિંગરૂમમાં જતા રહ્યા હતા અને ધીમે-ધીમે એક પછી એક લાઇટ ચાલુ થઈ હતી.
બૅટિંગ મળ્યા પછી ભારતે ૩ વિકેટે ૨૩૭ રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ (૬૧ રન, ૨૨ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) ૧૮ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરીને યુવરાજ સિંહ (૧૨ બૉલમાં ફિફ્ટી) પછીનો ભારતનો ટી૨૦માં બીજા નંબરનો ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન બન્યો હતો. તે કોહલી સાથેની ગેરસમજને પરિણામે રનઆઉટ થઈ ગયો હતો. એ પહેલાં રોહિત (૪૩ રન, ૩૭ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને રાહુલ (૫૭ રન, ૨૮ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે ૯.૫ ઓવરમાં ૯૬ રનની અને પછી સૂર્યા તથા કોહલી (૪૯ અણનમ, ૨૮ બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૦૨ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ઇનિંગ્સની છેલ્લી પળોમાં કાર્તિક (૧૭ અણનમ, ૭ બૉલ, બે સિક્સર, એક ફોર) અસલ ફૉર્મમાં ફટકાબાજી કરી રહ્યો હતો ત્યારે કોહલી ફક્ત ૧ રન માટે ટી૨૦માં ૩૪મી હાફ સેન્ચુરી ચૂક્યો હતો. સાઉથ આફ્રિકાના ૬ બોલર્સમાં માત્ર સ્પિનર કેશવ મહારાજ (૨૩ રનમાં બે) વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.