મૅચનો સમય બપોરે ૧.૩૦ વાગ્યાથી

લખનઉમાં આજે બપોરે પ્રથમ વન-ડે રમાવાની છે, પરંતુ ગઈ કાલે આ શહેરમાં વરસાદ પડ્યો હતો. કૅપ્ટન શિખર ધવન અને સાથીઓએ મંગળવારે ઘણી પ્રૅક્ટિસ કરી હતી. તસવીર પી.ટી.આઇ.
ભારતે સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધી ત્યાર બાદ હવે આજે તેમની સામે ત્રણ મૅચની વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે, જેમાંની પ્રથમ મૅચ આજે લખનઉમાં રમાશે. બીજી મૅચ રાચીમાં રવિવારે અને ત્રીજી મૅચ દિલ્હીમાં મંગળવારે રમાશે. જોકે આ શ્રેણી માટેની ટીમમાં આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમના કોઈ ખેલાડી નથી. માત્ર વિશ્વકપ માટેના અનામત ખેલાડીઓ જ વન-ડે શ્રેણીમાં રમશે.
શિખર ધવનના સુકાનમાં ભારતીય ટીમમાં શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અવેશ ખાન, દીપક ચાહર, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, રજત પાટીદાર, રવિ બિશ્નોઈ, સંજુ સૅમસન, શાહબાઝ અહમદ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર અને રાહુલ ત્રિપાઠીનો સમાવેશ છે. સાઉથ આફ્રિકાની ટીમનું સુકાન ફરી ટેમ્બા બવુમા જ સંભાળી રહ્યો છે.

