ન્યુ ઝીલૅન્ડ સામે ત્રીજી વાર ટીમ ઇન્ડિયાને વાઇટવૉશની તક : ૩-૦થી જીતવાની સાથે જ ભારત ઓડીઆઇમાં બની જશે નંબર-વન

ઇન્દોરના ગ્રાઉન્ડ પર ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન રોહિત શર્મા, ઓપનર શુભમન ગિલ અને વિકેટકીપર ઈશાન કિશન. ત્રણેય બૅટર્સના નામે ઓડીઆઇમાં ડબલ સેન્ચુરી છે અને ત્રણેય ખેલાડી હાલમાં ભારતીય ટીમમાં હોવાનો અનોખો વિશ્વવિક્રમ છે. તસવીરો એ.એફ.પી./એપી./પી.ટી.આઇ.
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) રમાશે જે જીતી જતાં ભારતે કિવીઓનો ૩-૦થી વાઇટવૉશ કર્યો કહેવાશે. એટલું જ નહીં, ભારત ૩-૦થી જીતીને વન-ડેમાં નંબર-વનની રૅન્ક પણ મેળવી લેશે. ભારત અત્યારે ચોથા નંબર પર છે.
આ પણ વાંચો : ગિલ ‘મિની’ રોહિત શર્મા જેવો છે : રમીઝ રાજા
ઇન્દોરની પિચ હાઇ-સ્કોરિંગ હોવાથી ભારતીય બૅટર્સની આકરી કસોટી થશે. છેલ્લે આ સ્થળે સપ્ટેમ્બર ૨૦૧૭માં ઑસ્ટ્રેલિયનોએ ૨૯૩ રન બનાવ્યા હતા. જોકે ભારતે રહાણે (૭૦), રોહિત (૭૧), હાર્દિક (૭૮) અને મનીષ પાન્ડે (૩૬ અણનમ)ની ઇનિંગ્સની મદદથી ભારતે ૨૯૪ રનનો લક્ષ્યાંક ૪૮મી ઓવરમાં પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ટૉમ લેથમના સુકાનમાં કિવીઓને ટોચના પાંચ બૅટર્સમાં કન્સિસ્ટન્સીનો જે અભાવ છે એ વિશે ચિંતિત છે.