ઑસ્ટ્રેલિયા ૧-૦થી આગળ, આવતી કાલે નાગપુરમાં બીજી મૅચ

રોહિત શર્મા અને ભુવનેશ્વર કુમાર
ટી૨૦ એશિયા કપમાં અને હવે ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં ભારતને ડેથ બોલિંગનો મામલો સૌથી વધુ નડી રહ્યો છે. મંગળવારે મોહાલીમાં ભારતે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં છેલ્લી ઓવરમાં હાર જોવી પડી હતી. છેલ્લી ત્રણ મૅચમાં ૧૯મી ઓવરમાં ૧૯, ૧૪, ૧૬ રન આપી ચૂકેલો ભુવનેશ્વર કુમાર થોડાં વર્ષો પહેલાં ડેથ બોલિંગ માટેનો સ્પેશ્યલિસ્ટ ગણાતો હતો, પરંતુ આઇપીએલ બાદ એશિયા કપમાં તેણે અનેક ચાહકોની આશા પર પાણી ફેરવી દીધું. એમ છતાં, મંગળવારે તેને ૧૯મી ઓવર અપાઈ હતી જેમાં મૅથ્યુ વેડે ઉપરાઉપરી ત્રણ ફોર ફટકારીને ઑસ્ટ્રેલિયાને જીતની નજીક લાવી દીધું હતું.
ભારતે ૬ વિકેટે ૨૦૮ રન બનાવ્યા હતા. કે. એલ. રાહુલે ત્રણ સિક્સર, ચાર ફોરની મદદથી પંચાવન રન, સૂર્યકુમાર યાદવે ચાર સિક્સર, બે ફોરની મદદથી ૪૬ રન અને ખાસ કરીને હાર્દિક પંડ્યાએ પાંચ સિક્સર, સાત ફોર સાથે અણનમ ૭૧ રન બનાવ્યા હતા. નૅથન એલિસે વિરાટ કોહલી (૨) અને દિનેશ કાર્તિક (૬) સહિત કુલ ત્રણ વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૯.૨ ઓવરમાં ૬ વિકેટે ૨૧૧ રન બનાવી લીધા હતા. એમાં મૅન ઑફ ધ મૅચ કૅમેરન ગ્રીન (ચાર સિક્સર, આઠ ફોર સાથે ૬૧ રન), સ્ટીવ સ્મિથ (એક સિક્સર, ત્રણ ફોર સાથે ૩૫ રન) અને વિકેટકીપર મૅથ્યુ વેડ (બે સિક્સર, છ ફોર સાથે અણનમ ૪૫)ની ઉપયોગી ઇનિંગ્સનો સમાવેશ હતો. અક્ષરને ત્રણ તથા ઉમેશ પટેલને બે વિકેટ અને ચહલને એક વિકેટ મળી હતી.
ભુવનેશ્વરની ૧૯મી ઓવરમાં ૧૬ રન બન્યા બાદ ૨૦મી ઓવર ચહલને આપવી પડી હતી, જેના પ્રથમ બૉલમાં ડેવિડની વિકેટ પડ્યા બાદ બીજા બૉલમાં કમિન્સે વિનિંગ ફોર ફટકારી હતી.
બીજી ટી૨૦ શુક્રવારે (આવતી કાલે) નાગપુરમાં સાંજે ૭.૦૦ વાગ્યાથી રમાશે.
મંગળવારે અમે થોડી બૅટિંગ સારી કરી, પણ બોલિંગ સારી નહોતી કરી. ૨૦૮ રનનો સ્કોર ડિફેન્ડ કરી શકાય એવો તો હતો જ. અમારી ફીલ્ડિંગ પણ સારી નહોતી. : રોહિત શર્મા
ભુવનેશ્વરની દરેક ડેથ ઓવરમાં પુષ્કળ રન બની રહ્યા છે એ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. પાકિસ્તાન, શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા સામેના ડેથ ઓવર્સવાળા કુલ ૧૮ બૉલમાં ૪૯ રન બન્યા છે. તેના જેવા અનુભવી બોલરની બોલિંગમાં સરેરાશ એક બૉલમાં ત્રણ રન બને છે એના પર વિચાર કરવાની જરૂર છે. : સુનીલ ગાવસકર