એશિયન ગેમ્સની મલેશિયા સામેની ક્વૉર્ટર ફાઇનલ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ, શેફાલી વર્માએ ફટકારી હાફ સેન્ચુરી
શેફાલી વર્મા
એશિયન ગેમ્સની વિમેન્સ ક્વૉર્ટર ફાઇનલ વરસાદને કારણે રદ કરવામાં આવતાં ભારતીય ટીમે આઇસીસી રૅન્કિંગ્સના આધારે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ મૅચમાં શેફાલી વર્માએ બિનઅનુભવી મલેશિયા સામે ૩૯ બૉલમાં ૬૭ રન કર્યા હતા. ગઈ કાલે હાન્ગજોમાં રમાયેલી મૅચની ઓવર ઘટાડીને ૧૫ કરવામાં આવી હતી, જેમાં ભારતે બે વિકેટે ૧૭૩ રન કર્યા હતા. કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ ૧૬ બૉલમાં ૨૭, જેમાઇમા રૉડ્રિગ્સે ૨૯ બૉલમાં ૪૭ અને રિચા ઘોષે ૭ બૉલમાં ૨૧ રન કર્યા હતા. મલેશિયાની ટીમ ૧૦૦ રનના લક્ષ્યાંકને પણ પાર કરે એવી શક્યતા નહોતી. ડીએલએસ પદ્ધતિ મુજબ લક્ષ્યાંક ૧૭૭ રનનો કરવામાં આવ્યો હતો. મલેશિયા માત્ર બે રન કરી શક્યું હતું. ત્યાર બાદ પડેલા ભારે વરસાદને કારણે મૅચ રદ કરવી પડી હતી. આઇસીસીના રૅન્કિંગ્સ મુજબ ભારતીય ટીમ ટોચની એશિયન રૅન્કિંગ્સ ટીમ છે એના આધારે વિજેતા જાહેર કરાઈ હતી. બીજી તરફ મલેશિયાની ટીમમાં ભારતને પડકારી શકે એવા કોઈ બોલર નહોતા અને ખરાબ ફીલ્ડિંગને કારણે કૅચ પણ છૂટ્યા હતા.
શેફાલીએ ૬૭ રનની ઇનિંગ્સ દરમ્યાન પાંચ સિક્સર અને ચાર બાઉન્ડરી ફટકારી હતી. તેણે મંધાના સાથે પહેલી વિકેટ માટે ૫૯ રનની પાર્ટનરશિપ કરી હતી. શેફાલીએ બીજી વિકેટ માટે રૉડ્રિગ્સ સાથે ૮૬ રનની પાર્ટનરશિપ કરી હતી. રમત દરમ્યાન શેફાલીને જમણા હાથમાં ઈજા થઈ હતી. શેફાલી એશિયન ગેમ્સમાં હાફ સેન્ચુરી કરનાર પહેલી ભારતીય ક્રિકેટર બની હતી. તેણે ૩૧ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ભારતની ટક્કર હવે બંગલાદેશ અને હૉન્ગકૉન્ગ વચ્ચે રમાનારી મૅચના વિજેતા સાથે રવિવારે થશે.


