કૅચ અને સ્ટમ્પિંગ છૂટ્યાં એટલે લાભ ઉઠાવી પૂંછડિયા બૅટર્સ મેહદી-મુસ્તફિઝુરે ૫૧ રનની અતૂટ ભાગીદારીથી બંગલાદેશને થ્રિલરમાં ૧-૦થી સરસાઈ અપાવી

મૅન ઑફ મીરપુર : મેહદી હસન મિરાઝે અણનમ ૩૮ રન બનાવીને બંગલાદેશને યાદગાર વિજય અપાવ્યો હતો.
રોહિત શર્માના સુકાનમાં ગઈ કાલે મીરપુરમાં વિરાટ કોહલી, શિખર ધવન, શ્રેયસ ઐયર અને કે. એલ. રાહુલ જેવા ખેલાડીઓની હાજરીમાં વન-ડેની સાતમી રૅન્કના બંગલાદેશે (૪૦થી ૪૬ સુધીની) છેલ્લી છ ઓવર સુધી ભારતીયોના શ્વાસ અધ્ધર રાખ્યા હતા અને છેવટે ૪ ઓવર બાકી રાખી માત્ર એક વિકેટના માર્જિનથી દિલધડક વિજય મેળવીને ટીમ ઇન્ડિયાને નામોશી જોવડાવી હતી. ત્રણ મૅચની સિરીઝમાં બંગલાદેશે ૧-૦થી સરસાઈ મેળવી હતી.
ભારતીય ટીમ ૪૧.૨ ઓવરમાં ફક્ત (ટી૨૦ જેટલા) ૧૮૬ રન બનાવી શકી. ત્યાર પછી યજમાન ટીમે ૪૬ ઓવરમાં ૯ વિકેટે ૧૮૭ રન બનાવી લીધા હતા. ૪૦મી ઓવરના ત્રીજા બૉલમાં બંગલાદેશની ૯મી વિકેટ પડી હતી અને ત્યારે ભારતના હાથમાં જ વિજય હતો, પરંતુ બે કૅચ છૂટ્યા અને એક સ્ટમ્પિંગ પણ છૂટી એનો આઠમા નંબરના બૅટર મેહદી હસન મિરાઝે (૩૮ અણનમ, ૩૯ બૉલ, બે સિક્સર, ચાર ફોર) તેમ જ તેને છેક સુધી સાથ આપનાર અગિયારમા નંબરના બૅટર મુસ્તફિઝુર રહમાને (૧૦ અણનમ, ૧૧ બૉલ, બે ફોર) પૂરો લાભ લીધો હતો અને છેક સુધી ભારતીયોને આખરી વિકેટ નહોતી આપી અને બંગલાદેશને યાદગાર વિજય અપાવ્યો હતો.
ADVERTISEMENT
કુલદીપનું ભારત વતી ડેબ્યુ
કૅપ્ટન લિટન દાસના ૪૧ રન ટીમમાં હાઇએસ્ટ હતા, પરંતુ બંગલાદેશને અવિસ્મરણીય જીત અપાવનાર મેહદીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. મોહમ્મદ સિરાજ (૩૨ રનમાં ત્રણ) ભારતનો સૌથી સફળ બોલર હતો. ભારત વતી ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર કુલદીપ સેને ફક્ત પાંચ ઓવર મળતાં ૩૭ રનમાં બે વિકેટ લીધી હતી, પરંતુ તેના માટે આ ડેબ્યુ અનલકી બન્યું હતું. વૉશિંગ્ટન સુંદરને પણ પાંચ ઓવર મળી હતી જેમાં તેણે પણ બે વિકેટ લીધી હતી. મૅચની છેલ્લી પળોમાં નિરાશાજનક બોલિંગ કરનાર અનુભવી બોલર શાર્દુલ ઠાકુરે એક જ વિકેટ લીધી હતી. દીપક ચાહેરને પણ એક જ વિકેટ મળી હતી.
રાહુલની ૧૧મી હાફ સેન્ચુરી
એ પહેલાં ભારતે જે ૧૮૬ રન બનાવ્યા એમાં વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ (૭૩ રન, ૭૦ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)નો સૌથી વધુ ફાળો હતો. તેને પાંચમા નંબરે મોકલવામાં આવ્યો હતો. ઓપનર્સ રોહિત (૨૭) તથા શિખર ધવન (૭), વિરાટ કોહલી (૯) અને શ્રેયસ ઐયર (૨૪)નાં કંગાળ યોગદાનોને કારણે ભારત મોટો ટાર્ગેટ આપવામાં નિષ્ફળ ગયું હતું. શાકીબે પાંચ અને ઇબાદત હોસૈને ચાર વિકેટ લીધી હતી.
બોલર ઑફ ધ મૅચ
શાકીબ-અલ-હસને પાંચ વિકેટ લીધી.
રિષભ પંતને વન-ડે સિરીઝમાંથી રિલીઝ કરાયો
વિકેટકીપર-બૅટર રિષભ પંતને ગઈ કાલે બંગલાદેશ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝમાંથી રિલીઝ કરાયો હતો. આ નિર્ણય બીસીસીઆઇની મેડિકલ ટીમ સાથેની સલાહ-મસલત બાદ લેવાયો હતો. તે બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ પહેલાં ટીમ સાથે ફરી જોડાઈ જશે.

