પર્થમાં ૧૭૫ રનની લીડ સાથે ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં
વિરાટ કોહલીએ ફટકારી સદી
પર્થમાં રમાતી બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને વિશ્વાસ છે કે તૂટતી જતી પિચને જોતાં ઑસ્ટ્રેલિયા વિજય મળે એટલી લીડ મેળવી લેશે. ત્રીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૧૩૨ રન કર્યા હતા. ઉસ્માન ખ્વાજા ૪૧ અને ટિમ પેઇન ૮ રન સાથે ક્રીઝ પર હતા. વિરાટ કોહલીની સેન્ચુરી છતાં ઑસ્ટ્રેલિયાએ ૪૩ રનની લીડ મેળવતાં કુલ ૧૭૫ રનની લીડ થઈ હતી. ઑસ્ટ્રેલિયાની હજી છ વિકેટ બાકી છે. ઍરોન ફિન્ચ આંગળીમાં ઈજા થતાં ૨૫ રને રમતો હતો ત્યારે રિટાયર્ડ હર્ટ થયો હતો. ઑસ્ટ્રેલિયાની ટીમના કોચે કહ્યું હતું કે તેને વધુ ઈજા થઈ નથી, પરંતુ તે રમશે કે નહીં એ હજી નક્કી નથી.
પિચ પરની તિરાડો જરૂર ચિંતાનો વિષય છે, કારણ કે આજ પિચ પર માર્કસ હૅરિસની હેલ્મેટમાં એક બૉલ ઊછળીને વાગ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ભારતની પાંચ વિકેટ લેનાર નૅથન લાયને કહ્યું હતું કે ‘પિચ પર બૅટિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડશે. અમે જેટલા પણ રન બનાવીશું એનો બચાવ કરી શકીશું.’
ADVERTISEMENT
ભારતીય બોલર જસપ્રીત બુમરાહે પણ કહ્યું હતું કે ‘અમે ચોથી ઇનિંગ્સના સ્કોરને આંબતાં અચકાશું નહીં, પરંતુ અમે આ સ્કોરને ઓછો રાખવાનો પ્રયત્ન જરૂર કરીશું.’
આ પિચ પર ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેનોને પણ બૅટિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. તેઓ પોતાની લીડને વધારવા માગે છે. શૉન માર્શ (૫) અને પીટર હેન્ડ્સ્કૉમ્બ (૧૩) ફરી એક વાર સસ્તામાં આઉટ થયા હતા. પરિણામે તેમને ટીમમાં પોતાનું સ્થાન ટકાવી રાખવામાં મુશ્કેલી પડશે. મોહમ્મદ શમીની (૨૩ રનમાં ૨ વિકેટ) ઓવરમાં માર્શ તો ઇશાન્ત શર્માએ હૅન્ડ્સ્કૉમ્બને આઉટ કર્યો હતો.


