જો વેડ નહીં રમે તો વૉર્નર અથવા મૅક્સવેલ કરશે વિકેટકીપિંગ

ઑસ્ટ્રેલિયાનો મુખ્ય વિકેટકીપર મૅથ્યુ વેડ કોરોનાગ્રસ્ત છે
મેલબર્નમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાના વિકેટકીપર-બૅટર મૅથ્યુ વેડનો કોવિડ-19ને લગતો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવા છતાં તે આજે ઇંગ્લૅન્ડ સામે (ભારતીય સમય મુજબ બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થનારી) મૅચમાં કદાચ રમશે, એવું ગઈ કાલના અહેવાલમાં જણાવાયું હતું.
ઑસ્ટ્રેલિયાની ૧૫ ખેલાડીઓની ટીમમાં વેડ એકમાત્ર રેગ્યુલર વિકેટકીપર છે. આઇસીસીનો એવો કોઈ નિયમ નથી કે જો કોઈ ખેલાડીનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોય તો તે મૅચમાં ન રમી શકે. ગઈ કાલે બપોરે ઑસ્ટ્રેલિયન ટીમના મૅનેજમેન્ટે દરેક ખેલાડીને ઇન્ડોર નેટ સેશનમાં આવવાનું ફરજિયાત નહોતું રાખ્યું એટલે વેડ એમાં નહોતો આવ્યો. જો વેડ આજની મૅચમાં નહીં રમે તો ડેવિડ વૉર્નર અથવા ગ્લેન મૅક્સવેલ વિકેટની પાછળ ઊભા રહેશે. નેટ સેશનમાં મૅક્સવેલે ગ્લવ્ઝ પહેરીને વિકેટકીપિંગની થોડી પ્રૅક્ટિસ કરી હતી.
તેની ગેરહાજરીમાં વિકેટકીપિંગની સંભવિત જવાબદારી સંભાળવા ગઈ કાલે મૅક્સવેલે મેલબર્નમાં પ્રૅક્ટિસ કરી હતી.