ક્રિકેટજગતની સૌથી મોટી ભારતની માર્કેટમાં વર્લ્ડ કપ સહિતની ઇવેન્ટ્સના પ્રસારણ માટેના મીડિયા રાઇટ્સ વેચવા આજે બિડિંગ પ્રોસેસનો આરંભ
ઇંડિયન ક્રિકેટ ફૅન્સ
૧૩૦ અબજની પ્રજાવાળા દેશ ભારતમાં ક્રિકેટ ધર્મની જેમ પૂજાય છે અને મોટા ભાગના લોકો ક્રિકેટની રમતને ફૉલો કરતા હોય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ક્રિકેટજગતનાં તમામ ક્રિકેટ બોર્ડમાં સૌથી શ્રીમંત છે અને ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) સૌથી વધુ ઇનામો આપતી ક્રિકેટ-ટુર્નામેન્ટ છે. જીવંત પ્રસારણ કરતા કોઈ પણ બ્રૉડકાસ્ટર માટે ભારત ક્રિકેટની દૃષ્ટિએ સૌથી મોટી માર્કેટ છે અને એમાં આવતાં આઠ વર્ષ દરમ્યાન (પુરુષો તથા મહિલાઓની) માટેની ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની જે પણ ઇવેન્ટ જોવા મળવાની છે એ પ્રસારિત કરવાના (ટીવી તથા ડિજિટલ) મીડિયા રાઇટ્સ ભારતમાં વેચવા માટેની બિડિંગ પ્રોસેસ આજે શરૂ થશે.
જૂનમાં આઇપીએલની આગામી પાંચ સીઝન માટેના ટીવી તથા ડિજિટલ મીડિયા રાઇટ્સ કુલ ૪૮૩ અબજ રૂપિયામાં વેચાયા એ જોઈને આઇસીસીને આશા છે કે ભારતમાં આગામી આઠ વર્ષ માટેની પોતાની વિવિધ ઇવેન્ટ્સના મીડિયા રાઇટ્સ વેચીને ૪ અબજ ડૉલર (અંદાજે ૩૨૦ અબજ રૂપિયા) ઊભા કરી શકાશે. આવતાં આઠ વર્ષમાં જે રકમ આઇસીસીને ભારતમાંથી મળી હતી એના કરતાં આ અંદાજિત બમણી રકમ છે.
ADVERTISEMENT
આઇસીસીની ઇવેન્ટ્સ પર નજર
વન-ડે વર્લ્ડ કપ, ટી૨૦ વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ, ચૅમ્પિયન્સ ટ્રોફી, અન્ડર-19 વર્લ્ડ કપ વગેરેનો સમાવેશ આઇસીસીની મુખ્ય ઇવેન્ટ્સ ગણાય છે. ૨૦૨૩થી ૨૦૩૧ સુધીનાં આઠ વર્ષમાં પુરુષોની કુલ ૧૬ ઇવેન્ટ્સ અને મહિલાઓની ૬ ઇવેન્ટ યોજાશે. એમાં આવનારા તમામ વર્લ્ડ કપ સહિતની ટુર્નામેન્ટ્સ આઇસીસીના બિડિંગ પ્રોસેસને લગતા ડીલનો ભાગ ગણાશે.
કોની વચ્ચે હરીફાઈ?
આઇસીસીની ઇવેન્ટ્સના મીડિયા રાઇટ્સ ભારતમાં વેચવા રિલાયન્સ ગ્રુપની વાયકૉમ૧૮ તેમ જ ડિઝની સ્ટાર, સોની, ઝી અને ઍમેઝોન વચ્ચે મુખ્ય હરીફાઈ થવાની સંભાવના છે. આ ચારથી પાંચ કંપનીઓ પોતપોતાની બિડ રજૂ કરશે.
આઇસીસીની પ્રોસેસમાંથી પીડબ્લ્યુસી નીકળી જતાં વાયકૉમ૧૮ નારાજ
આઇસીસીએ પહેલી વાર મેન્સ અને વિમેન્સ ક્રિકેટ માટે અલગથી મીડિયા રાઇટ્સ વેચવા માટેનાં ટેન્ડર બહાર પાડ્યાં એ પછી હવે પ્રાઇસવૉટરહાઉસકૂપર્સ (પીડબ્લ્યુસી) અધવચ્ચેથી મીડિયા પ્રોસેસમાંથી નીકળી જતાં આ પ્રોસેસની હિસ્સેદાર કંપની વાયકૉમ૧૮ સ્પોર્ટ્સ કંપનીએ નારાજગી બતાવી છે. રિલાયન્સ ગ્રુપની આ કંપનીએ ક્લોઝ્ડ બિડિંગ પ્રોસેસ તાબડતોબ રદ કરીને સંપૂર્ણ સ્તરની ઈ-ઑક્શન પ્રોસેસની માગણી કરી છે.

