સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટરની ૧૭૪ રનની ઇનિંગ્સને કારણે ઑસ્ટ્રેલિયાનો ચોથી વન-ડેમાં ૧૬૪ રનથી થયો પરાજય, સિરીઝ ૨-૨થી બરોબરી પર

વિકેટકીપર-બૅટર ક્લાસેન
શુક્રવારે સેન્ચુરિયનમાં રમાયેલી ચોથી વન-ડેમાં હેન્રિક ક્લાસેને ૮૩ બૉલમાં ફટકારેલા ૧૭૪ રનને કારણે સાઉથ આફ્રિકાનો ઑસ્ટ્રેલિયા સામે ૧૬૪ રનથી વિજય થયો હતો તેમ જ પાંચ મૅચની વન-ડે સિરીઝ ૨-૨થી લેવલ થઈ છે. પાંચમા ક્રમાંકે બૅટિંગ માટે આવેલા વિકેટકીપર-બૅટર ક્લાસેને ૧૩ ફોર અને એટલી જ સિક્સની મદદથી કરેલા રનને કારણે સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૪૧૬ રન કર્યા હતા. તે ઇનિંગ્સના છેલ્લા બૉલમાં બાઉન્ડરી પર આઉટ થયો હતો, પરંતુ એ પહેલાં તેણે સાઉથ આફ્રિકાનો ત્રીજા ક્રમાંકનો સૌથી વધુ તેમ જ વન-ડેમાં ચોથા ક્રમાંકના સર્વોચ્ચ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.
જવાબમાં ઑસ્ટ્રેલિયા ૩૪.૫ ઓવરમાં ૨૫૨ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ક્લાસેને ડેવિડ મિલર સાથે પાંચમી વિકેટ માટે ૨૨૨ રનની પાર્ટનરશિપ કરી હતી. જોસ હેઝલવુડે ૭૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. લેગ સ્પિનર ઍડમ ઝામ્પાએ ૧૦ ઓવરમાં સૌથી વધુ ૧૧૩ રન આપ્યા હતા તેમ જ એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. ઑસ્ટ્રેલિયા તરફથી વિકેટકીપર ઍલેક્સ કૅરીએ સૌથી વધુ ૭૭ બૉલમાં ૯૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટીમ ડેવિડે ૩૫ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી લુન્ગી ઍન્ગિડીએ ૫૧ રન આપીને ચાર વિકેટ તો કૅગિસો રબાડાએ ૪૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ક્લાસેન એબી ડિવિલિયર્સને પોતાનો આદર્શ ગણે છે તેમ જ તેની રમતથી ઘણો પ્રભાવિત પણ છે. ક્લાસેને કહ્યું હતું કે ‘તમે હંમેશાં કોઈને પોતાનો રોલ-મૉડલ ગણો છો તેમ જ તેમના જેવા બનવા માગો છો. ડિવિલિયર્સ મારા માટે આદર્શ છે. હું પણ તેમના જેવા શૉટ મારા માગું છું, પરંતુ હું એવું કરી શકતો નહોતો. ધીમે-ધીમે મને મારી રમત અને મારા વિકલ્પો સમજાવા લાગ્યાં હતાં.’ આજે પાંચમી અને નિર્ણાયક વન-ડે રમાશે.