છેલ્લી બન્ને સીઝનમાં રમાયેલી મૅચોમાં હોમ-ટીમને પંજાબ સામે મળી છે હાર, સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતને ૩ વિકેટે મળી હતી હાર
ગુજરાત સામેની મૅચ માટે બૅટિંગ-પ્રૅક્ટિસ કરતો પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર, પ્રૅક્ટિસ-સેશન પહેલાં વૉર્મ-અપ કરતો ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ.
IPL 2026ની ૪૬મી અને આજના ડબલ હેડરની બીજી ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. પૉઇન્ટ-ટેબલમાં ૧૩ પૉઇન્ટ સાથે પંજાબ કિંગ્સની ટીમ હજી પણ નંબર વન ટીમ છે. ૧૦ પૉઇન્ટ ધરાવતી ગુજરાત ટાઇટન્સની ટીમ પાંચમા ક્રમે છે અને પ્લેઑફની ટૉપ-ફોરની રેસમાં એન્ટ્રી કરવા આતુર છે. બન્ને ટીમની સીઝનની પહેલી ટક્કરમાં પંજાબે ગુજરાતનો ૧૬૩ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને ત્રણ વિકેટે જીત નોંધાવી હતી. શ્રેયસ ઐયરની આગેવાનીમાં પંજાબની ટીમ પહેલી ૭ મૅચમાં એક નો-રિઝલ્ટ મૅચ સહિત ૬ જીત સાથે અજેય રહી હતી. પંજાબને ૨૮ એપ્રિલે આઠમી મૅચમાં રાજસ્થાન સામે સીઝનની પહેલી હાર મળી હતી. ગુજરાત હમણાં સુધી નવમાંથી પાંચ મૅચ જીત્યું છે. છેલ્લી બે મૅચમાં ચેન્નઈ અને બૅન્ગલોર જેવી ટીમોને માત આપીને શુભમન ગિલની ટીમ હાલમાં શાનદાર લયમાં છે.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
ADVERTISEMENT
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૭ |
|
પંજાબની જીત |
૪ |
|
ગુજરાતની જીત |
૩ |
અમદાવાદમાં પંજાબ કિંગ્સની ટીમ આઠમાંથી પાંચ મૅચ જીતી છે અને ૩ મૅચ હારી છે. એમાંથી તેઓ માત્ર બે મૅચ હોમ-ટીમ સામે ૨૦૨૪ અને ૨૦૨૫માં રમ્યા છે અને બન્ને મૅચ જીત્યા છે. ૨૦૨૫માં ૩ જૂને બૅન્ગલોર સામે ફાઇનલ મૅચમાં હાર મળી એ પછી પંજાબની ટીમ પહેલી વખત આ મેદાન પર રમશે. વર્તમાન સીઝનમાં અમદાવાદમાં ગુજરાત ૪ મૅચમાંથી બે જીત મેળવી શક્યું છે. પહેલી મૅચમાં રાજસ્થાન સામે ૬ રને અને ત્રીજી મૅચમાં મુંબઈ સામે ૯૯ રને હાર મળી હતી. બીજી મૅચમાં કલકત્તા સામે પાંચ વિકેટે અને ચોથી મૅચમાં બૅન્ગલોર સામે ૪ વિકેટે જીત મળી હતી. ૨૦૨૨થી ગુજરાતની ટીમને અહીં ૨૭ મૅચમાંથી ૧૫ જીત અને ૧૨ હાર મળી છે.
