ભારતના ભૂતપૂર્વ અન્ડર-19 અને પંજાબના પેસ બોલર અમનપ્રીત સિંહ ગિલે બુધવારે ૩૬ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈ કાલે ચંડીગઢમાં સાંજે ૪ વાગ્યે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભૂતપૂર્વ અન્ડર-19 ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું ૩૬ વર્ષની વયે અવસાન
ભારતના ભૂતપૂર્વ અન્ડર-19 અને પંજાબના પેસ બોલર અમનપ્રીત સિંહ ગિલે બુધવારે ૩૬ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈ કાલે ચંડીગઢમાં સાંજે ૪ વાગ્યે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અહેવાલો અનુસાર છેલ્લા ૬ મહિનાથી તે અજ્ઞાત બીમારીથી પીડાઈ રહ્યો હતો.
અમનપ્રીત સિંહ ગિલે ૨૦૦૬થી ૨૦૦૮ દરમ્યાન ૬ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૧૧ વિકેટ લીધી હતી. ૨૦૦૭માં તે ઇંગ્લૅન્ડ, મલેશિયા અને શ્રીલંકામાં વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ સાથે ભારતની યુથ ટીમની મૅચો રમ્યો હતો. જોકે ૨૦૦૮માં વિરાટ કોહલીની આગેવાની હેઠળની અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બન્યો નહોતો.
IPLની શરૂઆતની સીઝનમાં તે પંજાબ કિંગ્સની ટીમનો ભાગ હતો. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં પંજાબ કિંગ્સના પ્લેયર્સ અમનપ્રીત સિંહ ગિલને શ્રદ્ધાંજલિ આપવા કાળી પટ્ટી બાંધીને રમ્યા હતા. પંજાબ ક્રિકેટમાં તે સિનિયર ટીમના સિલેક્શન કમિટીનો સભ્ય રહ્યો હતો. પંજાબ ક્રિકેટ અસોસિએશને સૌથી પહેલાં તેના અવસાનની માહિતી શૅર કરી હતી.
અમનપ્રીત સિંહ ગિલના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. અમે શરૂઆતના દિવસોમાં ડ્રેસિંગ રૂમ શૅર કર્યો હતો. તે એક શાંત, મહેનતુ ક્રિકેટર હતો જેને રમત પ્રત્યે ઊંડો પ્રેમ હતો. તેના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ભગવાન તેના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.
- ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ
અમનપ્રીત સિંહ ગિલના નિધન વિશે સાંભળીને આઘાત અને દુઃખ થયું. તેના પરિવાર અને પ્રિયજનોને પ્રાર્થના અને શક્તિ મોકલી રહ્યો છું. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.
- વિરાટ કોહલી
