આ મામલે ચેતેશ્વર પુજારાનો રેકૉર્ડ તોડ્યો : પંતે એક સિક્સર ફટકારી ગિલક્રિસ્ટને પાછળ છોડ્યો : ધ્રુવ જુરેલના આક્રમક ૫૧ રન
દેવદત્ત પડિક્કલ
ગઈ કાલે ગૉલમાં શ્રીલંકા સામે બે-ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી અને ભારતની લૅન્ડમાર્ક ૬૦૦મી ટેસ્ટના બીજા દિવસે વરસાદે મજા બગાડી હતી અને ફક્ત ૪૩ ઓવરની રમત શક્ય બની હતી જેમાં ભારતે ૯ વિકેટે ૪૬૦ રન સુધી સ્કોરને પહોંચાડી મજબૂત સ્થિતિ મેળવી લીધી હતી. પહેલા દિવસે ૧૩૧ રનથી આગળ રમતાં દેવદત્ત પડિક્કલ આખરે ૨૩૦ બૉલમાં એક સિક્સર અને ૧૫ ફોર સાથે ૧૬૭ રન બનાવીને આઉટ થયો હતો. હાથમાં ઇન્જરીને લીધે મેદાન છોડી જનાર કે. એલ. રાહુલ ફરી મેદાનમાં આવ્યો હતો અને વધુ ૯ રન ઉમેરી ૮૨ રન પર આઉટ થઈ ગયો હતો. ધ્રુવ જુરેલે તેને મળેલી તકનો લાભ ઉઠાવી ૬૮ બૉલમાં આક્રમક ૫૧ રન ફટકાર્યા હતા. શ્રીલંકા વતી પ્રભાત જયસૂર્યાએ ૧૦૯ રનમાં ચાર અને પ્રથમ મૅચ રમી રહેલા કેશારા નુવાન્થાએ ૧૭૫ રનમાં ૩ વિકેટ લીધી હતી.
પડિક્કલે ગઈ કાલે ચેતેશ્વર પુજારાના બે રેકૉર્ડને તોડ્યા હતા. શ્રીલંકન ધરતી પર ત્રીજા ક્રમાંકે રમતા પડિક્કલનો ૧૬૭ રનનો સ્કોર હવે ભારતીય બૅટરોમાં હાઇએસ્ટ બની ગયો છે. આ મામલે પહેલાં ૧૫૩ રનનો રેકૉર્ડ પુજારાના નામે હતો. ઉપરાંત શ્રીલંકામાં ૧૫૦ પ્લસનો સ્કોર બનાવનાર સૌથી યુવા (૨૬ વર્ષ અને ૩૯ દિવસ) ભારતીય બૅટર બની ગયો હતો. તેણે પુજારાના ૨૯ વર્ષ અને ૧૮૨ દિવસનો રૅકોર્ડ તોડ્યો હતો.
પડિક્કલનાં અન્ય પરાક્રમ
ADVERTISEMENT
પડિક્કલનો ૧૬૭ રનનો સ્કોર શ્રીલંકન ધરતી પર કોઈ પણ ભારતીય બૅટરે બનાવેલો સચિન તેન્ડકુલર (૨૦૩), વિરેન્દ્ર સેહવાગ (અણનમ ૨૦૧) અને શિખર ધવન (૧૯૦ રન) બાદ ચોથા ક્રમાંકનો બની ગયો હતો.
ગૉલમાં ૧૫૦ પ્લસની ઇનિંગ્સ રમનાર પડિક્કલ સેહવાગ (અણનમ ૨૦૧), શિખર ધવન (૧૯૦) અને ચેતેશ્વર પુજારા (૧૫૩) બાદ ચોથો ભારતીય બૅટર બની ગયો હતો.
ભારત વતી રમતાં ટેસ્ટ-ક્રિકેટમાં ત્રીજા ક્રમાંકે ડાબોડી બૅટરના વ્યક્તિગત હાઇએસ્ટ સ્કોરમાં પડિક્કલ કરતાં હવે માત્ર વિનોદ કાંબલી જ આગળ છે. કાંબલીએ આ પોઝિશન પર ૨૨૭ અને ૨૨૪ રનની ઇનિંગ્સ રમ્યો છે.
સ્વતંત્રતાદિવસે ટેસ્ટ-સેન્ચુરી, દેવદત્ત પડિક્કલ પહેલો ભારતીય
શનિવારે શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે દેવદત્ત પડિક્કલે બે વર્ષ બાદ કમબૅક કરીને શાનદાર સેન્ચુરી ફટકારી હતી. આ સાથે તેણે તેને મળેલા મોકાને બે હાથ ઝડપી લેવા ઉપરાંત એક અનોખી કમાલ પણ કરી હતી. શનિવારે સ્વતંત્રતાદિવસ હતો અને એ દિવસે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનાર તે બીજો અને ટેસ્ટ-ક્રિકેટમાં આવી કમાલ કરનાર પહેલો ભારતીય બૅટર બની ગયો હતો. આ પહેલાં ૧૫ ઑગસ્ટ ૨૦૧૯ના દિવસે વેસ્ટ ઇન્ડીઝ સામે વિરાટ કોહલી ૯૯ બૉલમાં ૧૧૪ રનની ઇનિંગ્સ રમ્યો હતો.
