ગુજરાતના ગણદેવીની લાલ માટીને કારણે બને છે ફાસ્ટ બૉલર્સની ફેવરિટ પીચ
NCAની અંડર 19 ઝોનલ ટુર્નામેન્ટ માટે વેન્યુઝ ચેક કરવા 2019માં સુરતની મુલાકાતે આવેલ રાહુલ દ્રવિડ- તસવીર સૌજન્ય ડૉ.નિમેષ દેસાઇ
2020માં ક્રિકેટ ફિવરને જાણે ફિવર થઇ ગયો છે અને એ બધું કોરોનાને કારણે થયું છે. પણ ક્રિકેટને લગતી કોઇપણ વાત હોય એમાં ક્રિકેટ રસિયાઓને રસ ન પડે તેમ બને જ નહીં. ફાસ્ટ બૉલર્સ અને સ્પીનર્સને ગમતી એવી ક્રિકેટ પીચના ગુજરાત કનેક્શન વિષે તમને કદાચ નહીં ખબર હોય! સુરત પાસે આવેલા ગણદેવી ગામની લાલ માટીનો ઉપયોગ ક્રિકેટની પીચ બનાવવા માટે BCCI દ્વારા 25થી પણ વધારે વર્ષથી થઇ રહ્યો છે. સુરતના નામાંકિત બાળરોગ નિષ્ણાંત ડૉ. નિમેષભાઈ દેસાઈ લાલભાઈ સ્ટેડિયમ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સેવા આપે છે. તેઓ અત્યાર સુધીમાં છ જેટલી રણજી રમી ચૂક્યા છે. તેમણે ગણદેવીની આ લાલ માટી વિષે જણાવતા કહ્યું કે, “મુજબ પીચ માટે વપરાતી માટી બે પ્રકારની હોય છે. એક લાલ અને એક કાળી. દક્ષિણ ગુજરાતના ગણદેવી ગામ અને ભરૂચ નજીક આવેલા નેત્રંગ ગામમાં આ માટી ઉપલબ્ધ છે. આ લાલ માટી આસાનીથી નથી મળતી. આ માટે સૌથી પહેલા ગવર્મેન્ટની માયનિંગ અને એન્વાર્યમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી ક્લિયરન્સની પરમિશન મળે પછી જ આ માટીનો સ્ટૉક કરવામાં આવે છે. બીજુ કે આ માટીમાં એક ખાસ પ્રકારનાં ક્લે કન્ટેન્ટ એટલે કે મોઈસ્ચર (ભેજ-ચિકાશ)ની ગુણવત્તા તપાસવી પડે છે. એને માટે સુરતની જ એસવીઆર કોલેજની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે અને ત્યાર પછી એને સર્ટિફિકેટ મળે તો જ આ લાલ માટીનો ઉપયોગ પીચ બનાવવા માટે થાય છે.” મૂળ તો આવી માટી બેંગ્લોર, અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પીચ માટે વપરાય છે. નૈમેષભાઈના કહેવા મુજબ જો કોઈ મોટી મેચ રમાવાની હોય ત્યારે લાલ માટી વાળી પીચની ચકાસણી કરવા માટે ખાસ બીસીસીઆઈમાંથી ક્યુરેટર્સ આવે છે. તેઓ ઇનસ્પેક્શન કરે પછી જ ક્રિકેટ રમવાની મંજૂરી મળે. વર્ષો પહેલા એવું થતું કે ગુજરાતમાંથી લાલ માટી લીધી હોય ત્યારે ગુજરાતની ટીમને પોઈન્ટ વધુ મળે એ હેતુથી આ પીચને ખાસ સ્પિનર હોલ્ડર બનાવવામાં આવતી. જેથી બોલિંગ માટે આસાની રહે. લાલ માટીની પીચ બનાવવા માટે સુરતમાં લગભગ ચારથી પાંચ નિષ્ણાતો મોજૂદ છે. 20 વર્ષ પહેલાં ક્રિકેટર ધીરજ પરસાણા આ પીચ બનાવવામાં એક્સપર્ટ હતા.ત્યારબાદ જ્વલંત પટેલ, નારાયણ સથહેમ અને હવે નિસર્ગ પટેલ, નેહલ પટેલ અને ડૉ. નૈમેષભાઈ આ બાબતે સેવા આપે છે. આ પીચ કેવી રીતે બને છે એની પણ એક રસપ્રદ માહિતી છે.
આ રીતે બને છે પીચ
ADVERTISEMENT
ઘણા વર્ષો પહેલાં આ લાલ માટીની પીચ બનાવવા માટે સૌથી નીચેના લેવલ પર ઈંટ મૂકાતી. પછી એની ઉપર એક લેયર ગ્રેવલ્સનું થાય પછી એની ઉપર રેતી અને કોલસી પાથરીને પીચ તૈયાર થતી. પરંતુ હવે નવી ટૅક્નોલૉજી આવી હોવાથી નવી પદ્ધતિથી આ લાલ માટીની પીચ પર ગમે એટલા વજનનું મશીન હોય તો પણ એ માટી પોતાની ચિકાશ અને સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે. 15 ઈંચ ઊંડાણ કર્યા બાદ ૪ ઈંચની જાડી રેતી હોય એની ઉપર 4 ઈંચનું સફેદ ઝીણી રેતીનું લેયર હોય અને એની ઉપર ફરીથી 8 ઈંચનું લાલ માટીનું લેયર બનાવાય છે. ત્યારબાદ એની ઉપર ઘાસનું રોપણ થાય છે. આ ઉપરાંત પીચને બંને તરફથી સ્લોપ આપવામાં આવે છે અને અંદર એક ડ્રેનેજ સિસ્ટમ ફીટ કરવામાં આવે. જેનાથી ચોમાસા દરમિયાન ભેગું થતું પાણી આ સિસ્ટમ વડે સુકાઈ જાય છે અને પીચને નુકસાન નથી થતું. એટલે બોલર કે બેટ્સમેનના બુટના નિશાન પડતાં નથી. આવી લાલ માટીની પીચ બનાવવા માટે બીસીસીઆઈ બેંગ્લોર અને મુંબઈ ખાતે ખાસ વર્કશોપ અને સેમિનારનું આયોજન કરે છે. આને માટે અત્યંત આધુનિક સિસ્ટમ બેંગ્લોર ખાતે લગભગ 50થી 60 કરોડના ખર્ચે ઊભી કરવામાં આવી છે જે કણૉટક એસોસિયેશન ના મંત્રી રહી ચૂકેલા બ્રીજેશ પટેલની નિગરાની હેઠળ આ અત્યંત આઘુનિક પીચ ની ખાસીયત છે કે જો વરસાદ પડે તો ફક્ત ૩૦ મિનીટમાં જ આ પાચ સૂકાઇ જાય છે.
આ જ માટીમાંથી એક સમયે નળિયાં પણ બનતા. અહીંની લાલ માટી વિદેશનાં સ્ટેડિયમ્સ જેમ કે શારજાહ અને કોલંબો પણ મોકલવામાં આવી છે, આ માટી સામાન્ય માટીની કિંમત કરતા બમણી કિંમતે વેચાતી હોય છે.

