સૂત્રોએ જણાવ્યા અનુસાર આ વર્ષે યોજાનારા મેગા ઑક્શન અને ખેલાડીઓની રિટેન્શન સંખ્યા વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આઈપીએલ ટ્રોફી
૧૭મી સીઝનના ક્રિકેટ-ઍક્શનના રોમાંચ વચ્ચે ૧૬ એપ્રિલે ક્રિકેટ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમોના માલિકોની બેઠક બોલાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચ સાથે યોજાનારી આ બેઠકનો એજન્ડા હજી સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. ક્રિકેટ બોર્ડના પ્રમુખ રૉજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને IPLના અધ્યક્ષ અરુણ સિંહ ધુમલ પણ બેઠકમાં હાજરી આપશે. અહેવાલ અનુસાર IPLના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) હેમાંગ અમીને મીટિંગને લઈને દરેકને પત્ર મોકલ્યો છે. આમાં IPL ફ્રૅન્ચાઇઝીના તમામ ૧૦ માલિકોને મોકલવામાં આવેલા આમંત્રણનો સમાવેશ છે. એવો અંદાજ છે કે માલિકો સાથે તેમના CEO અને ઑપરેશન્સ ટીમ પણ હોઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર આ વર્ષે યોજાનારા મેગા ઑક્શન અને ખેલાડીઓની રિટેન્શન સંખ્યા વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. IPL ટીમના માલિકો આ સંદર્ભે અલગ-અલગ મંતવ્ય ધરાવે છે. સંખ્યા પર કોઈ સ્પષ્ટ સર્વસંમતિ નથી. એવું માનવામાં આવે છે કે ક્રિકેટ બોર્ડ એના વિશે વાટાઘાટો કરવા માગે છે. એ સિવાય મીટિંગમાં જે ચર્ચા થઈ શકે છે એ સૅલેરી-કૅપ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. ગયા મિની ઑક્શન દરમ્યાન સૅલેરી-કૅપ ૧૦૦ કરોડ સુધી હતી, પરંતુ આ વખતે એમાં વધારો થવાની આશા છે. આ પગલું ક્રિકેટ બોર્ડ દ્વારા બે વર્ષ પહેલાં કરવામાં આવેલી ૪૮,૩૯૦ કરોડ રૂપિયાની બ્રૉડકાસ્ટ ડીલને ધ્યાનમાં રાખીને ભરવામાં આવી શકે છે.

