ભારત અને UAEની ટક્કર પહેલાં ૩૫ વર્ષના સ્પિનર સિમરનજિત સિંહે રસપ્રદ ખુલાસો કર્યો છે.
સિમરનજિત સિંહ, શુભમન ગિલ
ભારત અને UAEની ટક્કર પહેલાં ૩૫ વર્ષના સ્પિનર સિમરનજિત સિંહે રસપ્રદ ખુલાસો કર્યો છે. પંજાબના લુધિયાણામાં જન્મેલો સિમરનજિત સિંહ મોહાલીના પંજાબ ક્રિકેટ અસોસિએશનની ઍકૅડેમીમાં વર્ષ ૨૦૧૧-’૧૨માં ઑલમોસ્ટ ૧૨ વર્ષના શુભમન ગિલ સામે નેટ-સેશનમાં બોલિંગ કરી ચૂક્યો છે. તેણે કહ્યું કે ‘હું શુભમનને બાળપણથી ઓળખું છું, પણ મને ખબર નથી કે તે મને યાદ કરે છે કે નહીં. અમે ઍકૅડેમીમાં સવારે ૬થી ૧૧ વાગ્યા સુધી તાલીમ લેતા હતા. શુભમન તેના પપ્પા સાથે સવારે ૧૧ વાગ્યાની આસપાસ આવતો હતો. મને મારા સેશન પછી પણ વધારાની બોલિંગ કરવાની આદત હતી. મેં એ દિવસોમાં શુભમનને ઘણી બોલિંગ કરી હતી.’
પંજાબની રણજી ટીમમાં વર્ષ ૨૦૧૭માં જોડાયેલા આ સ્પિનરે પંજાબ કિંગ્સ માટે મોહાલીમાં નેટ-બોલરની ભૂમિકા પણ ભજવી હતી. એપ્રિલ ૨૦૨૧માં ૨૦ દિવસના એક નેટ-સેશન માટે દુબઈ પહોંચેલો સિમરનજિત સિંહ કોવિડની બીજી લહેર અને લૉકડાઉનને કારણે લાંબા સમય સુધી UAEમાં રહ્યો હતો. દુબઈમાં જુનિયર પ્લેયર્સને કોચિંગ આપનાર અને ક્લબ ક્રિકેટ રમ્યા બાદ તે મુંબઈમાં જન્મેલા UAEના હેડ કોચ લાલચંદ રાજપૂતના સંપર્કમાં આવીને નૅશનલ ટીમ માટે સિલેક્ટ થયો હતો. વર્ષ ૨૦૨૪થી તે ૧૨ T20માં ૧૫ વિકેટ લઈ ચૂક્યો છે.


