ગઈ કાલની એક જ મૅચમાં પાંચ શિકાર કરીને તે હીરો બની ગયો હતો
Asia Cup 2023
દુનિથ વેલ્લાલાગે
ગઈ કાલે ભારતની પાંચ વિકેટ લઈને તરખાટ મચાવનાર શ્રીલંકાનો ૨૦ વર્ષનો સ્લો લેફ્ટ-આર્મ ઑર્થોડોક્સ દુનિથ વેલ્લાલાગે એક ટેસ્ટ અને ૧૩ વન-ડે રમી ચૂક્યો છે. ગઈ કાલ અગાઉની ૧૨ વન-ડેમાં આ સ્પિનરે ૧૩ વિકેટ લીધી હતી, પરંતુ ગઈ કાલની એક જ મૅચમાં પાંચ શિકાર કરીને તે હીરો બની ગયો હતો. તેણે ૪૦ રનમાં જે પાંચ વિકેટ લીધી એમાં ભારતની પહેલી ચારેય વિકેટ સામેલ હતી. તેણે ગિલ (૧૯), કોહલી (૩), રોહિત (૫૩) અને રાહુલ (૩૯)ને આઉટ કર્યા હતા. પચીસ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં કુલ ૮૦ વિકેટ લઈ ચૂકેલા વેલ્લાલાગેએ તાજેતરમાં બંગલાદેશ અને અફઘાનિસ્તાન સામે પણ સારું પર્ફોર્મ કર્યું હતું. ગઈ કાલે સ્પિનિંગ-ઑલરાઉન્ડર વેલ્લાલાગેએ પોતાના મૅચ-ચૅન્જિંગ સ્પેલના પહેલા જ બૉલમાં ગિલને ક્લીન બોલ્ડ કર્યો હતો. થોડી વાર બાદ તેણે સોમવારે પાકિસ્તાન સામે રેકૉર્ડ-બ્રેકિંગ ઇનિંગ્સ રમનાર કોહલીનો શિકાર કર્યો હતો. મિડ-વિકેટ પર કૅપ્ટન શનાકાએ કોહલીનો આસાન કૅચ પકડ્યો હતો. ડ્રિન્ક્સ-ઇન્ટરવલ બાદ વેલ્લાલાગેને જૅકપૉટ લાગ્યો હતો. તેણે રોહિતને ક્લીન બોલ્ડ કર્યો હતો.
૨૦૦૨માં ભારતે શ્રીલંકા સાથે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી શૅર કરી ત્યારે વેલ્લાલાગે જન્મ્યો પણ નહોતો. ૨૦૦૩માં જન્મેલા વેલ્લાલાગેએ કોલંબોની સેન્ટ જોસેફ્સ કૉલેજમાં અભ્યાસ પૂરો કર્યો હતો. ગયા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં તે શ્રીલંકન ટીમનો કૅપ્ટન હતો અને ૧૭ વિકેટ લઈને એ ટુર્નામેન્ટના ટોચના બોલર્સમાંનો એક બન્યો હતો. તેણે ૨૬૪ રન પણ બનાવ્યા હતા.