ભારતીય બૅટર્સની નબળાઈઓ જાણતા મુંબઈ ઇન્ડિયન્સના કોચ જયવર્દનેની સલાહ મુજબ ગઈ કાલે કોલંબોની પિચ તૈયાર કરાઈ હતી

માહેલા જયવર્દને સૌથી પહેલાં ૨૦૧૭માં રિકી પૉન્ટિંગના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સનો કોચ બન્યો હતો
શ્રીલંકામાં આવો અને રામાયણની વાત ન થાય એવું ન બને. શ્રીલંકામાં રામાયણના પાત્રને લઈને હંમેશાં રાવણની વાતો થતી આવી છે, પરંતુ લંકાપતિના ભાઈ અને રામભક્ત વિભિષણની પણ ભૂમિકા વિશેષ હતી. હાલમાં પરિસ્થિતિ થોડી અલગ છે. ક્રિકેટના રામાયણમાં વિભિષણ આજે પણ હયાત છે, પરંતુ તે અત્યારે પોતાના દેશની સેવામાં છે. આ વિભિષણ અન્ય કોઈ નહીં, પણ ભૂતપૂર્વ શ્રીલંકન કૅપ્ટન માહેલા જયવર્ધને છે. તેને હાલમાં શ્રીલંકન ટીમના માસ્ટરમાઇન્ડ તરીકે જોવામાં આવે છે. તે શ્રીલંકન ક્રિકેટનો કન્સલ્ટન્ટ-કોચ છે.
પાકિસ્તાન સામે માત્ર બે વિકેટના ભોગે ૩૫૬ રન ખડકી દેનાર ભારતીય ટીમના દિગ્ગજ બૅટર્સ ગઈ કાલે યજમાન શ્રીલંકા ટીમની સ્પિન બોલિંગના તાલે નાચતા જોવા મળ્યા. ૨૧ વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ વેલાલગે અને ચરિથ અસલંકાની સ્પિન જોડીએ ભારતીય બૅટિંગ લાઇન-અપમાં ગાબડાં પાડ્યાં હતાં. એક દિવસ અગાઉ પાકિસ્તાન જેવી દિગ્ગજ ટીમ સામે ૨૨૮ રનના વિક્રમી માર્જિનથી જીત મેળવનાર ટીમ ઇન્ડિયા કોલંબોના આર. પ્રેમદાસા ગ્રાઉન્ડ પર કઈ રીતે કંગાળ બની ગઈ એ કુતૂહલનો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ પરિસ્થિતિ પાછળ આધુનિક વિભિષણ એટલે જયવર્દનેની મુખ્ય ભૂમિકા છે.
ટોસ જીતીને મોટો સ્કોર કરવાનું સપનું જોઈ રહેલા રોહિત શર્માના સપના પર તેની જ આઇપીએલ ટીમના કોચે પાણી ફેરવ્યું હોવાની વાત વહેતી થઈ છે. ભૂતપૂર્વ શ્રીલંકા-કૅપ્ટન જયવર્દને જે ઘણા સમય સુધી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે જોડાયેલો છે, તેની ગુપ્ત માહિતીને આધારે ભારત અને શ્રીલંકાની મૅચમાં પિચ તૈયાર કરાઈ હોવાનું મનાય છે. જયવર્દને ઘણા સમયથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલો છે અને સમયાંતરે પ્રેમદાસા સ્ટેડિયમ તથા અન્ય મેદાન પર વિપક્ષી ટીમને ધ્યાનમાં રાખીને કઈ રીતે પિચ બનાવવી જોઈએ એ વિશે સલાહ-સૂચન કરતો હોય છે.
કિરણ મોરેનું શું કહેવું છે?
ભારતની ભૂતપૂર્વ સિલેક્શન સમિતિના અધ્યક્ષ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના વિકેટ-કીપિંગ કોચ કિરણ મોરેએ આ વિશે ‘મિડ-ડે’ને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાના બૅટર્સ થોડા સમયથી સ્પિનરો સામે રમવામાં ઊણાં પડી રહ્યાં છે. જયવર્દને તમામ ભારતીય બૅટર્સની બૅટિંગ શૈલીથી સારી રીતે વાકેફ છે. રોહિત શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ જેવા ટોચના પ્લેયરો સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં કામ કરીને તેમના વીક પૉઇન્ટની તેને સારી જાણકારી છે. તેની આ અંદર કી બાત અનુસાર જ ક્યુરેટરે સ્પિનર્સને વધુ માફક આવે એવી પિચ બનાવી હશે એમાં કોઈ બે-મત નથી.’
શ્રીલંકાએ ટાઇટલ સાચવવાનું છે
જોકે એમાં કંઈ ખોટું પણ નથી. ગત વર્ષની એશિયા કપ વિજેતા શ્રીલંકાને પોતાના જ ઘરમાં ટાઇટલ બચાવવાનું પ્રેશર તો છે જ. સાથે-સાથે તેમને મોસમની મારનો પણ સામનો કરવો પડશે. એવામાં જયવર્દનેના રૂપમાં સીક્રેટ સુપરસ્ટારની ઇન્ફર્મેશન જો કામ કરી જાય તો યજમાન ટીમ માટે એનાથી વિશેષ શું હોઈ શકે.