‘ભારત સામે કેમ હાર્યા? ફાઇનલમાં કેમ ન પહોંચ્યા?’: પાકિસ્તાન બોર્ડે મીટિંગ બોલાવી.

ફાઈલ તસવીર
એશિયા કપ શરૂ થતાં પહેલાં ટ્રોફી માટે ડાર્ક હૉર્સ મનાતી પાકિસ્તાનની ટીમ માટે ગુરુવારે એશિયા કપની સફર સમાપ્ત થઈ ગઈ હતી. સ્ટાર પ્લેયર્સની ભરમાર ધરાવતી ‘મેન ઇન ગ્રીન’ ટીમ માત્ર નેપાલ સામે જીત મેળવી શકી હતી. અત્યંત નાલેશીભર્યા પ્રદર્શનનું પોસ્ટમૉર્ટમ કરવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક હાઈ-પ્રોફાઇલ મીટિંગ બોલાવી છે. ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી અને ચીફ સિલેક્ટર ઇન્ઝમામ-ઉલ-હક, ટેક્નિકલ કમિટીના હેડ મિસબાહ-ઉલ-હક અને મોહમ્મદ હફીઝ એશિયા કપની હાર વિશે તપાસ કરશે. વર્લ્ડ કપ શરૂ થવાને ગણતરીના દિવસ બાકી હોવાથી પાકિસ્તાનની ટીમ વિશ્વની અન્ય ચૅમ્પિયન ટીમ સામે નાક ન કપાવે એ વિશે કોઈ મજબૂત રણનીતિ બનાવવાનું કામ આ સમિતિ કરશે.
બીજી તરફ ગુરુવારે શ્રીલંકા સામે મહત્ત્વના મુકાબલામાં હાર સહન કર્યા બાદ પાકિસ્તાનના પ્લેયર્સ વહેલી સવારે સ્વદેશ જવા રવાના થઈ ગયા હતા. રાતે ૧.૧૫ વાગ્યે મૅચ પૂરી થયા પછી સુકાની બાબર આઝમ, વિકેટકીપર મોહમ્મદ રિઝવાન, ફૉર્મ ગુમાવી ચૂકેલો ઓપનર ફખર ઝમાન અને પેસ બોલર શાહિન શાહ આફ્રિદી પરોઢિયે પાંચ વાગ્યે (મૅચ બાદ પોણાચાર કલાકની અંદર) પાકિસ્તાન જવા રવાના થઈ ગયા હતા. બાકીની ટીમના સભ્યો સાંજની ફ્લાઇટમાં સ્વદેશ પાછા ફર્યા હતા.