આજે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને સ્પિનર મહીશ થીકશાનાની ઈજા સતાવશે, ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ ઑફ સ્પિનર વૉશિંગ્ટન સુંદરને બોલાવાયો.

એશિયા કપ
આજે કોલંબોમાં રમાનારી એશિયા કપની ફાઇનલ જીતીને ભારતીય ટીમને પાંચ વર્ષનો ટ્રોફીના દુકાળનો અંત લાવવાની તક છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકા ઈજાને કારણે થોડી પરેશાની છે. ભારતીય ટીમ માટે અક્ષર પટેલને થયેલી ઈજા ચિંતાનો વિષય છે. ભારતે એના વિકલ્પ તરીકે વૉશિંગ્ટન સુંદરને બોલાવ્યો છે. શ્રીલંકા માટે સ્પિનર મહીશ થીકશાનાને થયેલી ઈજા મહત્ત્વની મૅચમાં આકરી પુરવાર થઈ શકે છે. ભારતીય ટીમ છેલ્લાં પાંચ વર્ષથી એકપણ ટ્રોફી જીતી શક્યું નથી. વળી વર્લ્ડ કપ પહેલાં આ વિજય મહત્ત્વનો સાબિત થશે. ભારતીય ટીમ છેલ્લે ૨૦૧૮માં બંગલાદેશને દુબઈમાં ત્રણ વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ ભારત મહત્ત્વની મૅચોમાં હાર્યું છે. ભારત ૨૦૧૯ના વર્લ્ડ કપની અને ૨૦૨૨ના ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું. આ ઉપરાંત ૨૦૧૯ અને ૨૦૨૩માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં અનુક્રમે ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે હાર્યું હતું.
ગયા વર્ષે ભારતીય ટીમે એશિયા કપમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. આમ ભારતીય ટીમ હેડ-કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન રોહિતની આગેવાનીમાં કંઈક નવું કરવા માગશે. શુક્રવારે ભલે બંગલાદેશ સામે છ રનથી હાર્યું હોય, પણ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાના આગમનથી ભારતની બૅટિંગ લાઇન મજબૂત થશે. શુભમન ગિલે શુક્રવારે શાનદાર સદી ફટકારી હતી, પરંતુ અન્ય બૅટર્સ સ્ટ્રાઇક રોટેટ કરી શક્યા નહોતા, જેને કારણે છેલ્લે ઘણું દબાણ આવી પડ્યું હતું.
બોલિંગમાં પણ ભારતે બંગલાદેશની ૫૯ રનમાં ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ ડેથ ઓવરમાં રન આપતાં બંગલાદેશની ટીમ ૨૬૫ રન કરી શકી હતી. જોકે બુમરાહ, સિરાજ અને કુલદીપ યાદવની વાપસી થતાં એમાં સુધારો થશે. શ્રીલંકા સામેનો વિજય ભારતના આત્મવિશ્વાસમાં વધારો કરશે. એ ઉપરાંત છેલ્લાં ૧૦ વર્ષથી આઇસીસી ટ્રોફી જીતવા માટેનો આત્મવિશ્વાસ પણ આપશે.