રવિવારે હસન અલી એક સ્થાનિક મૅચમાં બાઉન્ડરી લાઇન પાસે ફીલ્ડિંગમાં હતો ત્યારે પ્રેક્ષકોમાંથી વારંવાર થયેલી કમેન્ટ્સને કારણે હસનને ગુસ્સો આવ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પાકિસ્તાનનો પેસ બોલર હસન અલી ચાર દિવસ પહેલાં ૨૦૨૧ના વર્ષના ટી૨૦ વર્લ્ડ કપની મૅચમાં છોડેલા કૅચ બદલ પંજાબ પ્રાન્તના અરિફ વાલા શહેરમાં તોફાને ચડેલા પ્રેક્ષકોનો શિકાર થયો હતો.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કુલ ૨૨૮ વિકેટ લઈ ચૂકેલા હસન અલીથી એ વિશ્વકપની સેમી ફાઇનલમાં શાહીન આફ્રિદીની ૧૯મી ઓવરમાં ઑસ્ટ્રેલિયાના મૅથ્યુ વેડનો કૅચ છૂટી ગયો હતો અને ત્યાર પછીના ત્રણેય બૉલમાં વેડે છગ્ગો ફટકારીને ઑસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચાડી દીધું હતું અને છેવટે કાંગારૂઓએ ટ્રોફી જીતી લીધી હતી.
રવિવારે હસન અલી એક સ્થાનિક મૅચમાં બાઉન્ડરી લાઇન પાસે ફીલ્ડિંગમાં હતો ત્યારે પ્રેક્ષકોમાંથી વારંવાર થયેલી કમેન્ટ્સને કારણે હસનને ગુસ્સો આવ્યો હતો. તે ક્રાઉડ તરફ દોડી ગયો હતો અને થોડી ઝપાઝપી થઈ હતી, પણ સાથી ખેલાડીઓએ તેને ટોળામાંથી બચાવ્યો હતો. પછીથી હસન બાઉન્ડરી ખાતેની વાડ કૂદીને કાર તરફ ભાગ્યો ત્યારે અનેક લોકો તેની પાછળ દોડ્યા હતા અને તેની કારને ઘેરી વળ્યા હતા. જોકે હસનને કોઈ ઈજા નહોતી પહોંચી.