આયરલૅન્ડ સામે બીજી વન-ડે મૅચમાં ૩૦૦ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૯૨ રને જીત્યું અફઘાનિસ્તાન
વન-ડે ક્રિકેટમાં ત્રણ વખત ૬ વિકેટ લેનાર પહેલો સ્પિનર બન્યો અફઘાની રાશિદ ખાન
આયરલૅન્ડ સામેની બીજી વન-ડે મૅચમાં ૬ વિકેટ લઈને સ્ટાર સ્પિનર રાશિદ ખાન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. રાશિદ ખાને ૭.૪ ઓવરમાં ૩૪ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ત્રણ વખત વન-ડે મૅચોમાં ૬ વિકેટ લેનાર પ્રથમ સ્પિનર બન્યો છે. ઓવરઑલ લિસ્ટમાં તે પાકિસ્તાનના ફાસ્ટ બોલર વકાર યુનુસ (પાંચ વખત) પછી બીજા ક્રમે છે.
રાશિદ ખાનના વન-ડે ફૉર્મેટના આ બીજા બેસ્ટ પ્રદર્શનના આધારે અફઘાનિસ્તાને બીજી વન-ડે મૅચમાં ૯૨ રને જીત નોંધાવી હતી. વરસાદને કારણે આ મૅચ ૪૭-૪૭ ઓવરની રમાઈ હતી. પાંચ વન-ડે મૅચની આ સિરીઝમાં પહેલી મૅચ વરસાદને કારણે રદ રહી હતી.
અફઘાની ઓપનર ઇબ્રાહિમ ઝાદરાનના ૯૭ બૉલમાં ૮૪ રનની મદદથી અફઘાનિસ્તાને ૮ વિકેટે ૨૯૯ રન કર્યા હતા. જવાબમાં આયરલૅન્ડ ૩૩.૪ ઓવરમાં ૨૦૭ રન કરીને ઑલઆઉટ થયું હતું. યજમાન આયરલૅન્ડ તરફથી પહેલી વખત વન-ડે રમનાર જય મુન્દ્રાએ ૯ ઓવરમાં ૭૮ રન આપીને બે વિકેટ લીધી હતી.
