શાર્દુલ ઠાકુર મૅચનો અને ગિલ સિરીઝનો અવૉર્ડવિજેતા : ઓપનર કૉન્વેની ૧૩૮ રનની શાનદાર સદી પાણીમાં ગઈ

શુભમન ગિલ
ભારતે ઇન્દોરમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડને અંતિમ વન-ડેમાં ૯૦ રનથી હરાવીને એનો ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો. કિવીઓ સામે ભારતની આ ત્રીજી ક્લીન સ્વીપ છે. ભારત ઓડીઆઇમાં નંબર-વન પણ થઈ ગયું છે. શાર્દુલ ઠાકુર (પચીસ રન અને ૪૫ રનમાં ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો તથા શુભમન ગિલ (હાઇએસ્ટ ૩૬૦ રન)ને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો.
કિવીઓ ૩૮૬ના ટાર્ગેટ સામે ૪૧.૨ ઓવરમાં ૨૯૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. શાર્દુલ તથા કુલદીપે ત્રણ-ત્રણ, ચહલે બે તેમ જ ઉમરાન અને હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી. શાર્દુલે બે ઓવરમાં કરેલા ત્રણ શિકારમાં મિચલ (૨૪), લેથમ (૦) અને ફિલિપ્સ (૫)નો સમાવેશ હતો. ઓપનર કૉન્વે (૧૩૮ રન, ૧૦૦ બૉલ, ૮ સિક્સર, ૧૨ ફોર)ની શાનદાર સદી એળે ગઈ હતી.
ADVERTISEMENT
ઉમરાન મલિકે એકમાત્ર વિકેટ લીધી હતી અને કૉન્વે તેનો બહુમૂલ્ય શિકાર હતો. એ પહેલાં ભારતે ૯ વિકેટે ૩૮૫ રન બનાવ્યા હતા જેમાં સેન્ચુરિયનો શુભમન ગિલ (૧૧૨ રન, ૭૮ બૉલ, પાંચ સિક્સર, ૧૩ ફોર) અને રોહિત શર્મા (૧૦૧ રન, ૮૫ બૉલ, ૬ સિક્સર, ૯ ફોર)નું તેમ જ હાફ સેન્ચુરિયન હાર્દિક (૫૪ રન, ૩૮ બૉલ, ૩ સિક્સર, ૩ ફોર)નું યોગદાન હતું. બ્લેર ટિકનર અને જૅકબ ડફીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
શુભમન ગિલ ૩૬૦ રન સાથે બાબરની બરાબરીમાં
વન-ડે ક્રિકેટમાં ત્રણ કે ઓછી મૅચની દ્વિપક્ષી સિરીઝમાં વ્યક્તિગત રીતે ૩૬૦ રન બનાવવાનો વિશ્વવિક્રમ અત્યાર સુધી પાકિસ્તાનના બાબર આઝમના નામે હતો, પરંતુ ભારતીય ઓપનર શુભમન ગિલ ગઈ કાલની વધુ એક સુપર ઇનિંગ્સ (૧૧૨ રન, ૭૮ બૉલ, પાંચ સિક્સર, ૧૩ ફોર) બદલ એની સાથે તે વર્લ્ડ રેકૉર્ડમાં જોડાઈ ગયો હતો. સિરીઝમાં ગિલના ૩૬૦ રન છે અને હવે શ્રેણીમાં ૩૬૦ રનનો વિક્રમ બાબર અને ગિલના નામે સંયુક્ત રીતે લખાશે. બાબરે ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ત્રણ સદીની મદદથી ૩૬૦ રન બનાવ્યા હતા. ગિલે હૈદરાબાદની પ્રથમ વન-ડેમાં ૨૦૮ રન અને રાયપુરની બીજી મૅચમાં અણનમ ૪૦ રન બનાવ્યા હતા.

