આ વર્ષની પાંચમી ઑક્ટોબરે શરૂ થનારા વિશ્વકપનાં બીજાં શહેરોની ‘ઇલેવન’માં મુંબઈ, રાજકોટ પણ છે : પાકિસ્તાનના ખેલાડીઓના વિઝા ભારત સરકાર મંજૂર કરશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
વન-ડેનો વર્લ્ડ કપ ૨૦૧૧માં ભારતમાં યોજાયા બાદ હવે ફરી આ વર્ષે ભારતમાં જ રમાવાનો છે. ૧૦ દેશ વચ્ચેના આ ઓડીઆઇ ફેસ્ટિવલમાં ૪૬ દિવસ દરમ્યાન કુલ ૪૮ મૅચ રમાશે. પાંચમી ઑક્ટોબરે શરૂ થનારા આ વર્લ્ડ કપનું શેડ્યુલ હજી જાહેર નથી કરાયું, પરંતુ ૧૯ નવેમ્બરની ફાઇનલ ક્રિકેટવિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે એ નક્કી છે. આ સ્ટેડિયમમાં કુલ ૧,૩૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે.
આગામી ઓડીઆઇ વર્લ્ડ કપની મૅચો અમદાવાદ ઉપરાંત બીજાં અગિયાર શહેરોમાં પણ રમાશે અને શહેરોની એ ‘ઇલેવન’માં મુંબઈ, રાજકોટ, દિલ્હી, બૅન્ગલોર, ચેન્નઈ, ધરમશાલા, ગુવાહાટી, કલકત્તા, હૈદરાબાદ, લખનઉ અને ઇન્દોરનો સમાવેશ છે.
ઘણાં વર્ષોથી ભારતમાં પાકિસ્તાનના ખેલાડીઓને માત્ર આઇસીસીની ઇવેન્ટમાં જ રમવા મળ્યું છે અને એક અહેવાલ મુજબ બીસીસીઆઇએ આઇસીસીને બાંયધરી આપી છે કે ભારત સરકાર પાકિસ્તાની ક્રિકેટરો માટેના વિઝા મંજૂર કરશે.