ગઈ કાલે (૧૯ સપ્ટેમ્બરે) યુવીની એ ઐતિહાસિક ફટકાબાજીને ૧૫ વર્ષ પૂરાં થયાં હતાં એ નિમિત્તે ખુદ યુવીએ પુત્રને ખોળામાં બેસાડીને એ વિડિયો જોયો હતો.

યુવરાજ સિંહે ‘છ સિક્સર’ની ૧૫મી ઍનિવર્સરી પુત્ર સાથે માણી
૨૦૦૭નો પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો અને એ ચૅમ્પિયન ટીમના ખેલાડી યુવરાજ સિંહે એ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડની એક ઓવર (ભારતના દાવની ૧૯મી ઓવર)ના ૬ બૉલમાં જે ૬ સિક્સર ફટકારી હતી એનો વિડિયો યુવીના કરોડો ક્રિકેટપ્રેમીઓએ વારંવાર જોયો હશે. જોકે ખુદ યુવી પણ એમાં અપવાદ ન કહી શકાય. ગઈ કાલે (૧૯ સપ્ટેમ્બરે) યુવીની એ ઐતિહાસિક ફટકાબાજીને ૧૫ વર્ષ પૂરાં થયાં હતાં એ નિમિત્તે ખુદ યુવીએ પુત્રને ખોળામાં બેસાડીને એ વિડિયો જોયો હતો.
યુવીએ પછીથી ઇન્સ્ટાગ્રામ પરના પોતાના પેજ પર આ વિડિયો પોસ્ટ કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘૧૫ વર્ષ પછી યાદગાર ૬ સિક્સરની ઘટના ભેગા બેસીને જોવા માટે મને (દીકરાથી) ચડિયાતો પાર્ટનર મળી જ ન શક્યો હોત.’ ઇન્સ્ટાગ્રામ પર યુવરાજના ૧૫૧ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે. યુવી પોતાના પેજ પર સમયાંતરે પોતાના જીવન અને કરીઅર વિશેના અપડેટ્સ શૅર કરતો રહે છે.