પૌરાણિક કથાઓની સાક્ષી પુરાવતાં શહેર એટલે મદુરાઈ અને રામેશ્વરમ

ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી
તામિલનાડુની રાજધાની ભલે ચેન્નઈ છે, પરંતુ એનો આત્મા મદુરાઈ અને હૃદય રામેશ્વરમમાં વસે છે. તામિલનાડુમાં અનેક પ્રખ્યાત સ્થળો અને દર્શનીય સ્થાનો છે તેમ છતાં મદુરાઈ અને રામેશ્વરમ વિના તામિલનાડુની ઓળખ અધૂરી ગણાય છે. અને કેમ નહીં? આ સ્થાનોની વિશેષતા અને આકર્ષણ જ કંઈક નોખાં છે. આમ તો ભારત દેશને મંદિરોથી સમૃદ્ધ દેશ કહેવાય છે અને એમાં પણ દક્ષિણ ભારતમાં આવેલાં મંદિરો અને એની સ્થાપત્ય શૈલી, બાંધકામ અને ઇતિહાસ દેશને મળેલી આ ઉપમામાં મહkવની ભૂમિકા ભજવે છે. મદુરાઈ અને રામેશ્વરમ નામ તો કોઈ માટે અજાણ્યાં નથી એ છતાં એના વિશેની ઊંડાણમાં અને જરૂરી માહિતી ઘણા લોકોને નથી. મદુરાઈમાં જગવિખ્યાત મીનાક્ષી મંદિર છે અને રામેશ્વરમમાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ, ચાર ધામોમાંનું એક ધામ અને રામસેતુ છે એ તો બધા જ જાણે છે; પણ એનાથી વધુની ઘણાને ખબર નથી. આ ઉપરાંત અહીં આવેલા અન્ય સ્પૉટ બાબતે પણ ઘણા અજાણ છે. આજે આપણે આ સ્થળોએ ભોમિયો બનીને ફરવાના છીએ.
મોટા ભાગના લોકો જે મદુરાઈ આવે છે તે સાથે રામેશ્વરમ પણ જઈને જ આવે છે અને જેઓ રામેશ્વરમ આવે છે તે સાથે મદુરાઈ પણ જાય છે. આ બન્ને સ્થળોની વચ્ચે ચાર કલાકનું અંતર છે. આપણે પહેલાં વાત કરીશું મદુરાઈની, જેને પૂવર્ના ઍથેન્સ તરીકે પણ ઓળખાય છે. વેગઈ નદીના કિનારે વસેલું મદુરાઈ તામિલનાડુનું ત્રીજું મોટું અને મહkવનું શહેર છે, જ્યારે દેશનું પચીસમું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે અને અહીંની મુખ્ય ભાષા તામિલ છે. આગળ કહ્યું એમ મદુરાઈમાં તામિલનાડુનો આત્મા વસેલો છે, જેનું એક કારણ છે કે આ સ્થળ તામિલના જન્મસ્થાનની સાથે હિન્દુઓ માટેનું પવિત્ર સ્થળ છે. મદુરાઈ દેશનાં સૌથી જૂનાં શહેરોમાંનું એક છે. ત્રીજી સદીમાં પણ આ શહેર હોવાના ઘણા પુરાવા મળ્યા છે. કહેવાય છે કે મદુરાઈ ૨૫૦૦ વર્ષ જૂનું છે. મદુરાઈની સરખામણી એક સમયે વેટિકન સિટી સાથે કરવામાં આવતી હતી. હવે આપણે વાત કરીશું મદુરાઈને ઓળખ આપનારા મીનાક્ષી મંદિરની; જે એની સ્થાપત્ય શૈલી, બાંધકામ, વિસ્તાર, પૌરાણિક કથા અને ઇતિહાસના કારણે વિશ્વભરમાં જાણીતું છે. મદુરાઈમાં મીનાક્ષી મંદિર સિવાય મધ્યયુગના ઇતિહાસને વાગોળતાં અનેક મંદિરો, મ્યુઝિયમ, પૅલેસ વગેરે છે મદુરાઈ તામિલનાડુનું ઇન્ડસ્ટિÿયલ અને એજ્યુકેશનલ હબ પણ ગણાય છે. પરંતુ મીનાક્ષી મંદિરની સામે બધા ઝાંખા પડી જાય છે.
મીનાક્ષી મંદિર
મીનાક્ષી મંદિરનું આખું નામ છે મીનાક્ષી સુંદરેશ્વર મંદિર. મીનાક્ષી એટલે પાવર્તી અને સુંદરેશ્વર એટલે શિવજી. એક પૌરાણિક કથા પ્રમાણે સેંકડો વર્ષ પહેલાં કાંચલમાલાએ કરેલી ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું હતું. કાંચલમાલાએ પાવર્તીને પુત્રીના રૂપે આવવાનું વરદાન માગ્યું હતું. આ વરદાનને પગલે પાવર્તીએ તેમના ઘરે મીનાક્ષી તરીકે અવતરણ કર્યું. તેઓ બાલ્યાવસ્થાથી જ ઘણાં બળવાન, નીડર અને બુદ્ધિશાળી હતાં. તેમણે ઘણાની સાથે યુદ્ધ પણ લડ્યાં હતાં. તેમની પ્રશંસા ચારેકોર થવા લાગી. મીનાક્ષી જ પાવર્તી છે એ જાણી શિવજી સુંદરેશ્વરના રૂપે મદુરાઈ આવ્યા અને જ્યાં આજે મંદિર છે ત્યાં મીનાક્ષીની સાથે પરણ્યા. મદુરાઈમાં તેમણે ઘણાં વર્ષો સુધી અહીં રાજ કર્યું અને પછી મીનાક્ષીની સાથે અહીંથી જ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. આ તમામ સ્થળને એક જ મંદિર હેઠળ આવરી લેવામાં આવ્યાં અને વિશાળ મીનાક્ષી મંદિર બાંધવામાં આવ્યું હતું.
તામિલ ગ્રંથો અને અનેક જૂનાં કાવ્યો અને કથામાં આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેના પરથી અંદાજ લઈ શકાય છે કે આ મંદિર સૈકાઓ જૂનું છે. કહેવાય છે કે આ મંદિરને પાંચમી-છઠ્ઠી સદીમાં બાંધવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં મુસલમાન શાસકો દેશમાં સત્તા પર આવ્યા ત્યારે તેમણે મીનાક્ષી મંદિરને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું અને ઘણી લૂંટફાટ કરી હતી. મુસલમાનોના ગયા બાદ આ મંદિરમાં ફરી સમારકામ હાથ ધરવામાં આવ્યું તેમ જ એનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું. આ તો થયો મંદિરનો ઇતિહાસ. હવે વાત કરીએ લગભગ એક ગામ સમાઈ જાય એટલા વિસ્તારમાં ફેલાયેલા મીનાક્ષી મંદિરની ખાસિયત અને વિશિષ્ટ શૈલીની.

ADVERTISEMENT
અન્ય દક્ષિણ ભારતીય મંદિરોની જેમ મીનાક્ષી મંદિરનું બાંધકામ ખૂબ જ સુંદર અને ધ્યાનાકર્ષક છે. તેમ છતાં એ અન્યોથી અલગ તરી આવે છે, જેનાં કારણો ઘણાં છે. એમાંનાં મુખ્ય કારણો અહીં પ્રસ્તુત છે. એક તો આ મંદિરનો વિસ્તાર ૪૫ એકર જેટલો મોટો છે, જેથી આખું મંદિર ફરતાં ઓછામાં ઓછા બે કલાક લાગી શકે છે. બીજું એ કે મુખ્ય મંદિરની ફરતે ૧૪ ગોપુરમ એટલે કે ટાવર અથવા તો સ્તંભ બનાવવામાં આવેલા છે, જે મંદિરની ઇમારતનો એક ભાગ છે; જેની ઊંચાઈ પિસ્તાલીસથી પચાસ મીટર જેટલી છે. ત્યારે દક્ષિણ દિશામાં આવેલા ગોપુરમની ઊંચાઈ સૌથી વધુ એટલે કે બાવન મીટર(૧૭૦ ફીટ)ની છે. મંદિરની અંદર એક સ્થાન છે જ્યાંથી આ તમામ ટાવર એકસાથે જોઈ શકાય છે, બાકી કોઈ પણ સ્થાનથી આ ૧૪ ટાવર એકસાથે જોઈ શકાતા નથી. આ ઉપરાંત મંદિરના વિશાળ કૉમ્પ્લેક્સમાં વિવિધ પ્રકારના સ્તૂપો ધરાવતા પિલર ઘણા હૉલમાં છે, જેમાંનો એક હૉલ છે ઐરાક્કલ હૉલ. એની અંદર ૧૦૦૦ પિલર છે, જેમાં અલગ-અલગ સ્થાન પર ઠોકવાથી અલગ-અલગ ધ્વનિ સાંભળવા મળે છે. આ દરેક પિલર પર વિવિધ દેવી-દેવતા, પ્રાણીઓની સાથે મીનાક્ષી માતા અને સુંદરેશ્વરનાં સુંદર શિલ્પો બનાવવામાં આવ્યાં છે. મુખ્ય મંદિરની અંદર સુંદરેશ્વરનું અર્થાત્ શિવનું મંદિર છે, જેની બાજુમાં મીનાક્ષીનું મંદિર છે. શિવલિંગ અને માતાની મૂર્તિ જ્યાં મૂકવામાં આવી છે એ મંદિરનું ગર્ભગૃહ અંદાજે ૩૫૦૦ વર્ષ જૂનું છે. અન્ય દક્ષિણ ભારતીય મંદિરોની જેમ અહીં ભગવાનને જોવા માટે લાઇટ નહીં, પરંતુ દીવા મૂકવામાં આવેલાં છે; જેના પ્રકાશમાં આપણે શિવ અને મીનાક્ષી માતાનાં દર્શન કરવાનાં રહે છે. આ સિવાય અહીં એક જ પથ્થરમાંથી વિશાળ નંદી અને એની આજુબાજુના સ્તૂપો બનાવવામાં આવેલા છે. શિવની કેટલાય ફીટ ઊંચી નટરાજ મૂર્તિ બનાવવામાં આવેલી છે. પરંતુ આ નટરાજ મૂર્તિમાં શિવની મુદ્રા અલગ છે. આ ઉપરાંત અહીં ઘણાં ભગવાનોનાં મંદિર બનાવવામાં આવેલાં છે. મંદિરના અમુક વિસ્તારમાં હિન્દુ સિવાયના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી એવું અહીં કેટલાંક સ્થાને લખેલું જોવા મળે છે તેમ જ આ મંદિરમાં કેટલાક ઊંચા અને સોનેરી રંગના સ્તંભ મૂકેલા છે, જેને બલિ સ્તંભ કહેવામાં આવે છે. અહીં આવનારા લોકોએ કોઈ ને કોઈ વસ્તુનો બલિ આપવાનો રહે છે. બલિનો અર્થ અહીં કુટેવો, વ્યસન, આદત અથવા બાધા મૂકવાના અર્થમાં છે. મંદિરના પરિસરમાં એક વૃક્ષ છે, જે ખૂબ જ પવિત્ર અને માનતા પૂર્ણ કરનાર વૃક્ષ તરીકે ઓળખાય છે. જેને સંતાનસુખ પ્રાપ્ત નથી થતું તે અહીં આવીને મન્નત માગે છે અને તેમને સંતાનસુખ પ્રાપ્ત થાય છે એવું અહીં કહેવામાં આવે છે. મંદિરની અંદર ૫૧ શિવલિંગ છે, જેમાંનું એક શિવલિંગ મણિનું છે. એવું કહેવાય છે કે સુંદરેશ્વરના જવા બાદ ઇન્દ્રને એ સ્થાન પરથી શિવલિંગ મળ્યું હતું અને પછી એનું મંદિર બનાવ્યું હતું. મંદિર શિવભક્તો ઉપરાંત કૃષ્ણભક્તો માટેનું પ્રિય સ્થળ માનવામાં આવે છે. વિષ્ણુને મીનાક્ષીના ભાઈ તરીકે ઓળખાવેલા છે, જેથી મીનાક્ષી અને સુંદરેશ્વરનાં લગ્ન વખતે વિષ્ણુએ જ પાણિગ્રહણ કાર્ય કર્યું હતું એવું કહેવાય છે. એ પ્રસંગની ખાતરી આપતાં હોય એવાં શિલ્પો અને સ્તૂપો અહીં બનાવવામાં આવ્યાં છે. વિષ્ણુપંથીઓ માટે મદુરાઈ દક્ષિણનું મથુરા કહેવાય છે. મીનાક્ષી મંદિરમાં દરરોજ સરેરાશ ૧૦ હજાર લોકો મુલાકાત લેવા આવે છે. એપ્રિલ-મે મહિના દરમ્યાન આવતા મીનાક્ષી તિરુકલ્યાણમ તહેવાર દરમ્યાન આ સંખ્યામાં અનેકગણો વધારો થઈ જતો હોય છે.
રામેશ્વરમ
એક તરફ તોફાની ઇન્ડિયન ઓશન અને બીજી બાજુ શાંત બંગાળનો સમુદ્ર અને એની વચ્ચે આવેલું રામેશ્વરમ. ફાટ-ફાટ થાય એવા બે સમુદ્રની વચ્ચે આવેલા રામેશ્વરમનું સૌંદર્ય કેવું હશે એની કલ્પના જ માત્ર રોમાંચિત કરી મૂકે છે તો પછી અહીં આવીને કેવી અનુભૂતિ થતી હશે એનું વર્ણન કરવું ભારે અઘરું છે. મીનાક્ષી મંદિરની જેમ રામેશ્વરમનો ઇતિહાસ ઘણો જૂનો છે એમ કહીએ તો પણ ખોટું નથી. પૌરાણિક કથા અનુસાર રાવણને મારીને રામ જ્યારે સીતામાતાને પાછાં લઈ આવ્યા ત્યારે તેમણે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા જે સ્થળે શિવલિંગ સ્થાપીને પૂજા કરી હતી અને યજ્ઞ કરાવ્યો હતો એ સ્થાન એટલે રામેશ્વરમ જ્યોતિર્લિંગ, જે આજે રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે છે. ધાર્મિક દૃãક્ટએ રામેશ્વરમ ર્તીથનું મહkવ અનેકગણું વધારે છે. હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાને સૌથી મોટી અને મુખ્ય ગણાવી છે. આ રામેશ્વરમ ચાર ધામમાંનું જ એક ધામ છે. તેમ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ પણ છે. હવે આપણે રામેશ્વરમની વર્તમાનની વાત કરીએ તો તામિલનાડુના અને દેશના છેડે આવેલા રામનાથપુરમમાં રામેશ્વરમ મંદિર સ્થિત છે. આ નાનકડા ટાપુ જેવા શહેરને ભારતની સાથે પંબન પુલ જોડે છે. રામેશ્વરમ મંદિરની અંદર બાવીસ કુંડ છે, જેમાં પવિત્ર પાણી છે. એમાં સ્નાન કર્યા બાદ શિવલિંગનાં દર્શન કરવાં અત્યંત શુભ માનવામાં આવે છે. એમાં સૌથી પવિત્ર કુંડ અãગ્નર્તીથમ કુંડ છે, જેમાં યજ્ઞ કરવા પૂર્વે રામે અહીં સ્નાન કર્યું હતું. રામેશ્વરમ મંદિરની અંદર પણ ૧૨૧૨ પિલર આવેલા છે. તેમ જ મંદિરનો વિસ્તાર પણ ખાસ્સો એવો મોટો છે. આ મંદિર દાયકાઓ અગાઉ માત્ર ચાર દીવાલો અને છતની સાથે ઊભું હતું, પરંતુ બારમી સદી બાદ આ મંદિરનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતમાં જેટલાં પણ મંદિરો આવેલાં છે એના કરતાં સૌથી લાંબો કૉરિડોર આ મંદિર ધરાવે છે. અહીં બે શિવલિંગ છે, એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતામાતાએ સ્થાપેલું. એની પાછળ એક પૌરાણિક વાર્તા છે, જેના પ્રમાણે રામ ભગવાને હનુમાનને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગનાં દર્શન કર્યા બાદ જ સીતામાતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે. એ પરંપરા આજે પણ ચાલી આવે છે. રામેશ્વરમમાં હનુમાન મંદિર છે, જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. આ સિવાય પણ અહીં ઘણાં મંદિરો આવેલાં છે જે દરેક અલગ-અલગ ઇતિહાસ ધરાવે છે.
પંબન બ્રિજ
આમ તો આ એક બ્રિજ એટલે કે પુલ છે તેમ છતાં એ અન્ય બ્રિજ કરતાં અલગ અને વિશેષ છે જેનું કારણ એનું બાંધકામ અને જોડાણ છે. તામિલનાડુના છેવાડેથી રામેશ્વરમ બે કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ આ બન્નેની વચ્ચેના વિસ્તારમાં પાણી છે. આ બે વચ્ચેનું અંતર કાપવા માટે બે પુલ બાંધવામાં આવ્યા છે. એક પુલ મારફત વાહનવ્યવહાર થાય છે ત્યારે બીજા પુલ મારફત ટ્રેન ચાલે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે આ રેલવે પુલ નીચેથી મોટી નૌકા કે શિપ પસાર થાય છે ત્યારે આ પુલ રેલવે ફાટકની માફક ખૂલી જાય છે અને વચ્ચેથી નૌકા પસાર થઈ જાય છે. પુલ નીચેનું પાણી એટલું સ્વચ્છ અને પારદર્શક છે કે તમને પાણીમાં ચાલતી માછલી, દરિયાઈ વસ્તુઓ અને જો નસીબદાર હો તો મોટી ફિશ જોવાનો પણ લહાવો મળે છે.
ધનુષકોડી
લંકા અને ભારતની વચ્ચે રામસેતુ બાંધવાની જ્યાંથી શરૂઆત કરવામાં આવી હતી એ સ્થળ એટલે ભારતનું નીચેની તરફનું અંતિમ અને છેવટનું સ્થળ ધનુષકોડી, જે રામેશ્વરમથી ૨૫ કિલોમીટરના અંતરે છે. રામેશ્વરમ જેટલું પ્રખ્યાત અને જાણીતું છે એટલું પ્રખ્યાત ધનુષકોડી નથી. એનું એક કારણ છે કે આ ગામને સામાન્ય લોકોથી વર્ષો સુધી દૂર રાખવામાં આવ્યું હતું. પરંતુ પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુસર સરકારે થોડાં વર્ષ પૂર્વે જ આ ગામને સામાન્ય લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. એક સમયે ધનુષકોડી ગામ ધમધમતું હતું, પરંતુ કેટલાંક વર્ષો પૂર્વે આવેલા વિનાશક સુનામીને લીધે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અહીં સુધી કે ગામમાં રહેતા હજારો માણસો પણ મૃત્યુ પામ્યા હતા. પૂર એટલું વિનાશક હતું કે એમાં કોઈના બચવાની આશા પણ રખાઈ નહોતી. આજે અહીં એ સમયના સુનામીના અવશેષો જોવા મળે છે. સુનામીને આટલાં વર્ષો થઈ ગયાં હોવા છતાં હજી ગામનાં એ સમયનાં ઘરો, દુકાનો અને રેલવે-સ્ટેશન બિસમાર હાલતમાં એ સમયની સ્થિતિનું વર્ણન કરતાં હોય એમ અહીં ઊભાં છે, જે કોઈ રિપેર કરવાની કે પછી તોડી પડવાની કોશિશ સુધ્ધાં કરવા તૈયાર નથી. વર્ષો અગાઉ અહીં સ્ટેશન હતું, જે શ્રીલંકાની સાથે ભારતને જોડતું હતું. પરંતુ ન્વ્વ્ચ્ના લીધે હવે શ્રીલંકાની સાથે કોઈ રેલવે માર્ગ જોડાયેલો નથી. ધનુષકોડીને લોકો ભૂતિયા ગામ તરીકે પણ ઓળખે છે. કહેવાય છે કે સ્થાનિક લોકો પણ અહીં રાત્રે રોકાતાં ડરે છે, પરંતુ દિવસ દરમ્યાન અહીં પ્રવાસીઓની સારીએવી ચહલપહલ રહે છે. સાંજે છ પછી અહીં કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ધનુષકોડીમાં પ્રવેશ કરો એ પૂર્વે કેટલાંય કિલોમીટર પહેલાંથી તમને સમુદ્ર દેખાઈ દેશે. અહીં તમને એક નહીં, પરંતુ બે સમુદ્ર એકસાથે જોવા મળશે. એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ બંગાળનો સમુદ્ર. આ દેશનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં એકીસાથે બે સમુદ્ર જોવા મળે છે. એનું પાણી એકદમ બ્લુ છે, જેને જોતાં એવું લાગે છે કે તમે વિદેશના બીચ પર મહાલી રહ્યા છો.
રામસેતુ
રામ ભગવાને હનુમાન અને વાનરસેનાની મદદથી રામસેતુનું નર્મિાણ કર્યું હતું. આ સેતુ ધનુષકોડીથી લઈને શ્રીલંકામાં આવેલા મન્નાર ટાપુ સુધીના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં બાંધવામાં આવેલો છે. આ ૩૦ કિલોમીટરના પાણીનો વિસ્તાર અગાઉ છીછરો હતો. અહીંના પાણીનું ઊંડાણ ત્રણથી ત્રીસ ફીટનું હતું. તેમ જ વચ્ચે-વચ્ચે થોડી રેતાળ જમીન પણ હતી. એથી પહેલાં લોકો ચાલીને આ અંતર કાપી શકતા હતા, પરંતુ ૧૪મી સદીમાં આવેલા વિનાશક પૂરના લીધે આ પુલ પાણીની અંદર જતો રહ્યો છે. પરંતુ હજીયે અવકાશમાંથી લેવાતી તસવીરમાં આ પુલ દેખાય છે. જોકે વિદેશીઓ આ બ્રિજને ઍડમ બ્રિજ તરીકે ઓળખાવે છે. રામસેતુનો ઉલ્લેખ રામાયણ ગ્રંથ ઉપરાંત અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ પુલના લીધે આ સ્થાન પરથી વહાણો પસાર થઈ શકતાં નથી, એથી એને તોડી પાડવા માટે પણ ઘણા લોકોએ સૂચવ્યું હતું.
કેટલીક જાણી-અજાણી વાતો
મીનાક્ષી મંદિર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૨૦૧૭માં સ્વચ્છ આઇકૉનિક પ્લેસ તરીકે પસંદગી પામ્યું હતું. મીનાક્ષી મંદિરમાં જતાં પૂર્વે તમારાં કપડાંની પસંદગી કરવા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. અહીં પગથી માથા સુધી ઢંકાયેલા હોય એવાં કપડાંની સાથે જ અંદર જવાની પરવાનગી મળે છે. જો તમારાં નસીબ સારાં હોય તો ઘણી વખત મંદિરના કર્મચારીઓ વધુ મગજમારી કરતા નથી. મીનાક્ષી મંદિરના પરિસરમાં ૩૦,૦૦૦ કરતાં અધિક મૂર્તિ હોવાનું કહેવાય છે. મીનાક્ષી મંદિરને ‘ન્યુ સેવન વન્ડર્સ ઑફ ધ વલ્ર્ડ’ ની બનાવેલી યાદીમાં ટૉપ ૩૦ ડેસ્ટિનેશનમાં પણ સામેલ કર્યું હતું.
રામેશ્વરમમાં પણ પોશાકને લઈને ઘણી શિસ્ત છે, જેનું ધ્યાન રાખવું.
રામેશ્વરમમાં આવેલા તમામ કુંડમાંના પાણીથી લોકો નહાતા હોય છે, એથી અહીં બધી જગ્યાએ નીચેની જમીન એકદમ લપસણી બની ગઈ છે. આથી ચાલતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.
રામેશ્વરમ મંદિરમાં સ્નાન કરવાના હો તો એક જોડી કપડાં સાથે રાખવાં. અહીં કપડાં બદલવા માટે વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
રામેશ્વરમમાં આવેલો ટીવીનો ટાવર દેશમાંનો સૌથી ઊંચો ટાવર છે. આ ટાવર ૩૨૩ મીટર ઊંચો છે.
રામેશ્વરમ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું હોમટાઉન પણ છે, જ્યાં તેમનું ઘર અને સ્કૂલ આવેલી છે જે તમને ધનુષકોડી જતાં રસ્તામાં જોવા મળશે.
મંદિરમાં જતાં પૂર્વે, એમાં પણ મીનાક્ષી મંદિરમાં જતી વખતે કોઈ સારો ગાઇડ કરી લેવો જેથી આટલા મોટા મંદિરમાં ફરતી વખતે કોઈ વાંધો ન આવે તેમ જ અહીં નાનાં અનેક મંદિરો આવેલાં છે અને અસંખ્ય સ્તૂપો અને શિલ્પો છે, જેને સમજવા માટે સાથે ગાઇડ હોવો જરૂરી છે.
તામિલનાડુમાં સાક્ષરતાની ટકાવારી વધુ હોવાથી અહીંનાં લગભગ તમામ લોકો જેમ કે ડ્રાઇવર, વેઇટર વગેરે અંગ્રેજી સમજી અને બોલી જાણે છે, પરંતુ હિન્દી ભાષામાં તેમની વધુ ચાંચ ડૂબતી નથી.
ધનુષકોડીનાં પાણીનાં મોજાં ઘણી વખત આંખમાં ધૂળ નાખી દે એવાં છે, જેથી પાણીમાં આગળ સુધી જવાનું ટાળવું.
ધનુષકોડી પર ઘણી વખત મોબાઇલમાં શ્રીલંકાનું નેટવર્ક પકડાઈ જાય છે, એથી સંભાળવું નહીંતર ઇન્ટરનૅશનલ રોમિંગ ચાર્જ લાગી શકે છે.
ધનુષકોડીમાં મોબાઇલનું નેટવર્ક લગભગ ઠપ્પ થઈ જાય છે, એથી નેટવર્ક પકડવા માટે મહેનત કરવી નહીં.
ક્યારે અને કેવી રીતે જશો?
હવાઈ માર્ગે મીનાક્ષી મંદિર અને રામેશ્વરમ આવવા માટે મદુરાઈનું ઍરર્પોટ સૌથી નજીક પડે છે. મદુરાઈ આવવા માટે મુખ્ય મેટ્રો શહેરોથી સીધી ફ્લાઇટ મળી શકે છે. મેટ્રો સિવાયનાં શહેરોમાંથી સીધી ફ્લાઇટ સરળતાથી મળતી નથી. મદુરાઈના ઍરર્પોટ પર ઇન્ટરનૅશનલ ફ્લાઇટ પણ આવે છે, પરંતુ એની ફ્રીક્વન્સી ઘણી ઓછી છે. મીનાક્ષી મંદિર માટે ટ્રેન-સર્વિસ અને ઍર-સર્વિસ સૌથી સરળ ટ્રાન્સર્પોટેશનનું સાધન છે. નૅશનલ હાઇવેથી ઍરર્પોટ ૧૫ કિલોમીટરના અંતરે છે, એથી પ્રવાસ પણ સરળ છે. ટ્રેનથી આવવા માગતા લોકો માટે મદુરાઈ સ્ટેશન છે. આ સ્ટેશન પર તમામ જરૂરી સુવિધા અને સવલત ઉપલબ્ધ છે. અન્ય શહેરો અને રાજ્યોમાંથી આવતી ટ્રેનો મદુરાઈ સુધી વધુ આવતી નથી, પરંતુ ચેન્નઈ ખાતે મોટા ભાગની સાઉથમાં આવતી ટ્રેનો ઊભી રહે છે. ત્યાંથી મદુરાઈનું અંતર ૮-૧૦ કલાકનું છે. મદુરાઈથી રામેશ્વરમ ૧૬૩ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યાંથી ટૅક્સી અથવા ભાડાની બસ અથવા કાર મારફત રામેશ્વરમ સુધી પહોંચી શકાય છે. રામેશ્વરમ મંદિરથી બે કિલોમીટરના અંતરે મંડપમ સ્ટેશન આવેલું છે જ્યાં ચેન્નઈ અને નજીકનાં શહેરોથી ટ્રેન-સર્વિસ ઉપલબ્ધ છે. મુંબઈ, હૈદરાબાદ, મદુરાઈ અને નાગપુરથી અહીં સુધીની બસ-સર્વિસ પણ ઉપલબ્ધ છે. આ સિવાય જો તમને લૉન્ગ ડ્રાઇવ કરવાનો શોખ હોય તો તમે પ્રાઇવેટ કાર કરીને પણ આવી શકો છો, પરંતુ અંતર ઘણું લાંબું છે એનું ધ્યાન રાખવું.
