આ બાળક બતકને એટલા વહાલથી ઉછેરે છે કે આ બચ્ચાં પણ તેને સતત ફૉલો કરે છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયા પર એક કિશોર બતકનાં બચ્ચાંઓની સેના લઈને ફરતો જોવા મળે છે. આ બાળક બતકને એટલા વહાલથી ઉછેરે છે કે આ બચ્ચાં પણ તેને સતત ફૉલો કરે છે. એક વિડિયોમાં ટબૂરિયો ભરચક રોડ પર ચાલતો જાય છે તો તેની બતકોની ફોજ એક લાઇનમાં તેની પાછળ-પાછળ ચાલે છે. છોકરો જેમ આડોઅવળો થાય એમ બતકની લાઇન પણ આડીઅવળી થાય છે. વચ્ચે એક માણસ બાળક અને બતકની વચ્ચે આવીને ઊભો રહી જાય છે તો બતક ત્યાં જ રોકાઈ જાય છે. લુ જુન્ક્સી નામનો આ કિશોર હૈનાન પ્રાંતમાં રહે છે. તે બતકનાં બચ્ચાંઓને કોઈ ટ્રેઇનિંગ નથી આપતો, માત્ર દરેક બચ્ચા સાથે એક-એક કરીને વાતો કરતો રહે છે. તેણે બતકના દરેક બચ્ચાનું નામ રાખ્યું છે. તેણે બતકની ફોજમાં એક લીડરને તાલીમ આપી છે. બસ, આ લીડર તેની ઇન્સ્ટ્રક્શન્સ ફૉલો કરે છે અને બાકીનાં બચ્ચાં આપોઆપ એની પાછળ એના કહેવા મુજબ કરવા લાગે છે. એવું કહેવાય છે કે બતકનાં બચ્ચાં સૌથી પહેલાં જે હાલતીચાલતી વસ્તુ કે વ્યક્તિને જુએ તેને આપમેળે ફૉલો કરવા લાગે છે. બસ, લુ જુન્ક્સી આ જ વાતનું ધ્યાન રાખે છે.


