ઍનિમલ રાઇટ્સ ઑફિશ્યલ્સ દ્વારા ફિલિપીન્સના એક ઝૂમાં માલી નામની હાથણીને વિશ્વના લોન્લીએસ્ટ, સાવ જ એકલવાયા હાથીનું બિરુદ આપવામાં આવ્યું હતું.
વિશ્વની સૌથી એકલવાયી હાથણીએ આ દુનિયામાંથી વિદાય લીધી
ઍનિમલ રાઇટ્સ ઑફિશ્યલ્સ દ્વારા ફિલિપીન્સના એક ઝૂમાં માલી નામની હાથણીને વિશ્વના લોન્લીએસ્ટ, સાવ જ એકલવાયા હાથીનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ માલી તાજેતરમાં મૃત્યુ પામી છે અને ૪ દાયકા સુધી મનિલા ઝૂના સ્ટાર આકર્ષણ તરીકે ઑડિયન્સને મંત્રમુગ્ધ કરનાર માલી માટે અનેક લોકો શ્રદ્ધાંજલિ આપવા ઊમટ્યા છે.
માલી ઑફિશ્યલી વિશ્વમાલી તરીકે ઓળખાય છે. એને ૧૧ મહિનાની ઉંમરે ૧૯૮૧માં શ્રીલંકાની ગવર્નમેન્ટે ફિલિપીન્સની ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી ઇમેલ્ડા માર્કોસને ગિફ્ટ આપી હતી. મનિલા ઝૂમાં અગાઉ એક શિવ નામનો હાથી પણ હતો જે ૧૯૭૭માં આવ્યો હતો અને ૧૯૯૦માં એનું મૃત્યુ થયું હતું ત્યારથી માલી ઝૂમાં એકલી રહી ગઈ હતી. એને કોઈ સાથી ન હોવાથી એને પશુ હકના રક્ષકોએ લોન્લીએસ્ટ એલિફન્ટનું બિરુદ આપ્યું હતું.
કોવિડ દરમ્યાન મનિલા ઝૂમાં નાનાં બાળકોનું વૅક્સિનેશન થતું હતું ત્યારે માલીની હાજરી બાળકોને મનોરંજન પૂરું પાડતી હતી.
ઍનિમલ રાઇટ્સ ઑર્ગેનાઇઝેશને મનિલા ઝૂની નબળી સ્થિતિની આલોચના કરતાં કહ્યું હતું કે આ ઝૂના મેમ્બરોએ માલીની જોઈએ એવી કાળજી રાખી નહોતી, પણ ઝૂના અધિકારીઓનું કહેવું હતું કે એને જંગલમાં છૂટી મૂકી દેવાનું યોગ્ય નહોતું, કેમ કે અહીં ઝૂમાં જ એની કાળજી લઈ શકાય એમ હતી. ઑટોપ્સીમાં એના કેટલાક અવયવોમાં કૅન્સરની ગાંઠ અને શ્વાસનળીમાં અવરોધ હોવાનું બહાર આવ્યું હતું.


