સ્પેસ ટૂરિઝમનો પ્રારંભ થઈ ગયો છે. જપાનની એક સ્ટાર્ટઅપ કંપનીએ લોકોને અવકાશની મુસાફરી કરાવવાનો નવો રસ્તો પણ શોધ્યો છે.
દોઢ કરોડમાં સ્પેસ બલૂનમાં બેસી કરો અવકાશની મુસાફરી
સ્પેસ ટૂરિઝમનો પ્રારંભ થઈ ગયો છે. જપાનની એક સ્ટાર્ટઅપ કંપનીએ લોકોને અવકાશની મુસાફરી કરાવવાનો નવો રસ્તો પણ શોધ્યો છે. અવકાશની મુસાફરી માત્ર અબજોપતિઓ જ નહીં, પરંતુ દરેકને માટે સુલભ થાય એવી આશા ઇવાયા ગાઇકેન નામક કંપની રાખી રહી છે. જોકે એમનું કાચનું આવરણ ધરાવતું સ્પેસ બલૂન ઢીલાપોચા હૃદય ધરાવતા લોકો માટે નથી. બે બેઠકો ધરાવતી ગોળાકાર કૅપ્સૂલ કોઈ મનોરંજન પાર્કની રાઇડ્સ જેવી દેખાય છે. કંપનીના સીઈઓ કેઈસુકે ઇવાયાએ ટોક્યોમાં એક ન્યુઝ કૉન્ફરન્સ દરમિયાન લોકોને ખાતરી આપી હતી કે આ સ્પેસ બલૂન ખૂબ જ સલામત અને સસ્તો વિકલ્પ છે. કંપનીનો હેતુ દરેકને અવકાશનો પ્રવાસ કરાવવાનો છે. સ્પેસ બલૂન હાલમાં પૃથ્વીથી ૧૫ માઇલની ઊંચાઈ સુધી જવા માટે સક્ષમ છે, જે ખરેખર તો પૃથ્વીના વાતાવરણનું એક સ્તર છે. પરંતુ આ ઊંચાઈથી પૃથ્વીનું સુંદર દૃશ્ય મળશે. આ સ્પેસ બલૂન અવકાશયાત્રાના લોકશાહીકરણની દિશામાં એક પગલું છે, જે હાલમાં અબજોપતિઓ માટે જ આરિક્ષત છે. આ ફ્લાઇટ માટે ૧,૮૦,૦૦૦ ડૉલર અંદાજે ૧.૫ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. કંપનીની યોજના આ ખર્ચમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો કરવાની છે. કંપની હાલ સ્પેસ વ્યુઇંગ રાઇડ માટે અરજીઓ સ્વીકારી રહી છે. ઑગસ્ટમાં અરજીઓ બંધ થશે. પ્રથમ પાંચ મુસાફરોની ઘોષણા ઑક્ટોબરમાં કરવામાં આવશે.


