નિર્દોષ પ્રાણીઓની મસ્તી નેટિઝન્સને હંમેશાં પસંદ આવતી હોય છે

સી-લાયને હોટેલમાં પ્રવેશીને સનલાઉન્જર પર કબજો જમાવ્યો
ટ્વિટર પર પ્રાણીઓના વિડિયો અપલોડ થતાં જ એ વાઇરલ થઈ જતા હોય છે. નિર્દોષ પ્રાણીઓની મસ્તી નેટિઝન્સને હંમેશાં પસંદ આવતી હોય છે. તાજેતરમાં ટ્વિટર પર આવો જ એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં દરિયાકિનારાની એક હોટેલ કે રિસૉર્ટમાં એક સી-લાયન પગથિયાં ચઢીને હોટેલના પરિસરમાં પ્રવેશ કરે છે અને હળવે રહીને હોટેલના પૂલમાં ઊતરે છે અને સનલાઉન્જર્સ મૂકવામાં આવેલા છે એ વિસ્તાર તરફ પાણીમાં જ આગળ વધે છે. સનલાઉન્જર્સ પાસે પહોંચ્યા પછી પાણીમાંથી બહાર નીકળીને એ સનલાઉન્જર તરફ આગળ વધે છે. એના પર આરામ કરી રહેલી વ્યક્તિ હડબડાહટમાં ઊઠી જાય છે એની નોંધ લીધા વિના સી-લાયન આરામથી એના પર સૂઈ જતો જોવા મળે છે.
નેટિઝન્સને આ વિડિયો ઘણો પસંદ આવ્યો છે. સી-લાયન જે હકથી સનલાઉન્જર પર ગોઠવાય છે એના પરથી ફલિત થાય છે કે એ કદાચ અનેક વેળા આ જગ્યાએ આરામ કરવા આવ્યો હોય એમ બની શકે છે.