સંગીત સાંભળવાના શોખને કારણે રાજસ્થાનના બિકાનેરમાં રહેતા દિનેશ માથુર નામના સંગીતપ્રેમીને અજીબ શોખ છે. સંગીત સાંભળવા માટે તેઓ બાળપણથી રેડિયો વાપરતા હતા. જેમ-જેમ નવા રેડિયો આવતા ગયા એમ-એમ તેઓ વસાવવા લાગ્યા.
બિકાનેરમાં રહેતા દિનેશ માથુર
સંગીત સાંભળવાના શોખને કારણે રાજસ્થાનના બિકાનેરમાં રહેતા દિનેશ માથુર નામના સંગીતપ્રેમીને અજીબ શોખ છે. સંગીત સાંભળવા માટે તેઓ બાળપણથી રેડિયો વાપરતા હતા. જેમ-જેમ નવા રેડિયો આવતા ગયા એમ-એમ તેઓ વસાવવા લાગ્યા. એને કારણે થતું હતું એવું કે ઘરમાં રૂમ કરતાં રેડિયોની સંખ્યા વધી ગઈ. આને કારણે પરિવારજનો ઘરમાં જ્યાંત્યાં રખડતા પડેલા રેડિયો માટે દિનેશ માથુર સાથે કચકચ કરતા હતા. જોકે પરિવારે ઝઘડવાનું શરૂ કર્યું એટલે દિનેશ માથુરને વધુ જોર ચડ્યું. ૧૧ વર્ષ પહેલાં તેમણે નક્કી કર્યું કે હવે તેઓ દુનિયાભરના રેડિયો સંઘરશે. અત્યારે તેમની પાસે દેશ-વિદેશના, જૂના-નવા મળીને ૧૨૦૦ રેડિયો છે. સૌથી જૂનો રેડિયો ૧૯૨૯ની સાલનો છે. હજી નવાઈની વાત એ છે કે તેમણે માત્ર રેડિયોનાં બંધ ખોખાં જ એકત્ર નથી કર્યાં, મોટા ભાગના રેડિયો હજીયે ચાલે છે. એમાં કંઈ પણ ખરાબી આવે તો દિનેશભાઈ જાતે જ એને રિપેર કરે છે. દિનેશભાઈ પાંચ વર્ષ પહેલાં પંચાયત સમિતિમાં ગ્રામ વિકાસ અધિકારીના પદ પરથી નિવૃત્ત થયા છે. હવે તેમનો આખો દિવસ રેડિયોના સંગ્રહની માવજત કરવામાં જાય છે. અમુક જે રેડિયો નથી ચાલુ થતા એને પણ તેઓ કાઢવા નથી માગતા. તેમની પાસે લગભગ ૧૦૦ વર્ષ જૂના રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, એફએમ, રેકૉર્ડ પ્લેયર છે. ફિલિપ્સ, મર્ફી, નેલ્કો, નૅશનલ પૅનસૉનિક જેવી બ્રૅન્ડથી લઈને જર્મની, ઇંગ્લૅન્ડ અને હોલૅન્ડમાં બનેલા રેડિયો અને ટ્રાન્ઝિસ્ટર્સ તેમના સંગ્રહમાં છે. લગભગ દસેક વર્ષ પહેલાં કોઈ સંબંધીને ત્યાં તેઓ ગયા ત્યારે ઇમ્પોર્ટેડ રેડિયો તેમને બહુ ગમ્યો. જોકે એ વખતે સંબંધીએ ટોણો મારતાં કહ્યું કે આ બહુ મોંઘો છે એ લેવાની તારી હેસિયત નથી. બસ, તેમણે એ રેડિયોનો ફોટો લીધો અને ઑનલાઇન થતા ઑક્શનની શોધ કરવા માંડી. બસ, મૉડલ મળી ગયા પછી તો તેમને આવા બીજા અનેક રેડિયો લેવાનું મન થવા લાગ્યું અને વાત અત્યારે ૧૨૦૦ નમૂનાના સંગ્રહ સુધી પહોંચી ગઈ.


