આરોપ લગાવ્યો કે હૉસ્પિટલવાળાઓએ મને બાંધી દીધો હતો, હું એકદમ ઠીક છું; પણ હૉસ્પિટલવાળા મને કોમામાં હોવાનું કહીને પૈસા જમા કરાવવા કહી રહ્યા છે.
બન્ટી નિનામા
મધ્ય પ્રદેશના રતલામમાં માનવતાનું માથું ઝૂકી જાય એવી ઘટના ત્રીજી માર્ચે બની હતી. એક હૉસ્પિટલમાં દાખલ દરદી બન્ટી નિનામા કોમામાં છે અને તેને તાત્કાલિક ઑપરેશનની જરૂર છે એમ કહીને દરદીની પત્ની લક્ષ્મીને એક લાખ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. પત્ની ઘરે ગઈ અને રૂપિયા લઈને હૉસ્પિટલ પહોંચી ત્યારે તેનો પતિ હાથમાં યુરિન-બૅગ અને નાક પર લગાવેલી શ્વાસનળી સાથે બહાર આવ્યો હતો અને તે એકદમ ભાનમાં હતો. તેણે આરોપ લગાવ્યો કે હૉસ્પિટલવાળાઓએ મને બાંધી દીધો હતો, હું એકદમ ઠીક છું; પણ હૉસ્પિટલવાળા મને કોમામાં હોવાનું કહીને પૈસા જમા કરાવવા કહી રહ્યા છે.
બન્ટી નિનામાને આગલા દિવસે પાડોશી સાથે ઝઘડો થયો હતો. એમાં મારામારી વખતે તેને માથામાં વાગ્યું હોવાથી તે બેભાન થઈ ગયો હતો અને પોલીસે તેને પકડ્યો હતો, પણ તે હોશમાં ન હોવાથી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે ડૉક્ટરોએ લક્ષ્મી નિનામાને કહ્યું હતું કે તે કોમામાં હોવાથી અર્જન્ટ ઑપરેશન માટે એક લાખ રૂપિયા જમા કરાવવા પડશે. બીજી તરફ બન્ટીએ બહાર આવીને કહ્યું હતું કે ડૉક્ટરોએ મને બાંધી રાખ્યો હતો અને બહાર આવવા નહોતા દેતા.
ADVERTISEMENT
અર્ધનગ્ન હાલતમાં આવેલા બન્ટીએ હૉસ્પિટલની બહાર તમાશો કર્યો હતો એટલે પોલીસ આવી હતી અને પછી કલેક્ટરે આ કેસમાં ત્રણ સભ્યોની એક કમિટી બનાવી હતી અને બન્ટીએ અને હૉસ્પિટલે કરેલા દાવા વિશે તપાસ કરીને રિપોર્ટ આપશે.
હૉસ્પિટલે જણાવ્યું હતું કે અમે પેશન્ટ પાસેથી ડિપોઝિટના ૨૦,૦૦૦ રૂપિયા લીધા હતા અને ડિસ્ચાર્જ વખતે ૬૯૨૦ રૂપિયાનું બિલ કાપીને બાકીના રૂપિયા પાછા આપી દીધા છે.

