બ્રિટનમાં કેટલાક લોકો યોગ ક્લાસ દરમ્યાન શવાસન કરી રહ્યા હતા, પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને કંઈક અજુગતું લાગતાં તેમણે પોલીસને ફોન કરીને સામૂહિક હત્યાકાંડ થયો હોવાની સૂચના આપી હતી.

પ્રતીકાત્મક તસવીર
બ્રિટનમાં કેટલાક લોકો યોગ ક્લાસ દરમ્યાન શવાસન કરી રહ્યા હતા, પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને કંઈક અજુગતું લાગતાં તેમણે પોલીસને ફોન કરીને સામૂહિક હત્યાકાંડ થયો હોવાની સૂચના આપી હતી. સમગ્ર ઘટના ગયા બુધવારે લિંકનશર ચૅપલ સેન્ટર લિઓનર્ડ્સમાં બની હતી. પોલીસે ત્યાર બાદ સ્પષ્ટતા કરી હતી કે તમામ લોકો સુરક્ષિત છે. વળી ફોન કરનારાએ પણ સારી ભાવનાથી જ ફોન કર્યો હતો. ૨૨ વર્ષની યોગ ટીચર મિલી લૉએ કહ્યું કે ‘પહેલાં તો મેં સામૂહિક હત્યાકાંડ કર્યો હોવાનું જાણીને મને બહુ આઘાત લાગ્યો હતો. સીસ્કેપ કૅફેમાં હું સાત સ્ટુડન્ટ્સને યોગ શીખવી રહી હતી. ત્યાંથી પસાર થતા લોકો કુતૂહલવશ અમને કાચની બારીમાંથી જોઈ રહ્યા હતા અને ત્યારે હું તમામને શવાસન નામનું યોગાસન શીખવી રહી હતી. તેમના આખા શરીર પર બ્લેન્કેટ નાખવામાં આવી હતી. રૂમમાં થોડું અંધારું પણ હતું. મારા હાથમાં એક મીણબત્તી હતી. હું ડ્રમ વગાડતી-વગાડતી ત્યાં ફરી રહી હતી. બારીમાંથી આ દૃશ્ય જોનારાઓને કંઈક અજુગતું બન્યું હોવાનું લાગ્યું હોવું જોઈએ. એમાંથી કોઈકે સામૂહિક હત્યાકાંડ થયો હોવાનું પોલીસને ફોન કરીને જણાવ્યું હોવું જોઈએ.’