થોડા જ કલાકમાં ‘પીત્ઝા હટ’ પાકિસ્તાનની બ્રાન્ચે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ તેમનું ઑફિશ્યલ આઉટલેટ નથી
આ ઘટના પછી સોશ્યલ મીડિયામાં પાકિસ્તાનના રક્ષાપ્રધાનની મશ્કરી થઈ રહી છે.
પાકિસ્તાનના રક્ષાપ્રધાન નવી પીત્ઝા હટની રિબન કાપી આવ્યા પછી અસલી કંપનીએ લીગલ નોટિસ મોકલતાં ખબર પડી કે આ તો નકલી પીત્ઝા હટ હતી. પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે સિયાલકોટના કૅન્ટોનમેન્ટમાં તામઝામ સાથે ‘પીત્ઝા હટ’ના આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે મોટા કાફલા સાથે ત્યાં જઈને રિબન કાપી હતી. આ ઘટનાની તસવીરો સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ થઈ હતી. જોકે થોડા જ કલાકમાં ‘પીત્ઝા હટ’ પાકિસ્તાનની બ્રાન્ચે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ તેમનું ઑફિશ્યલ આઉટલેટ નથી. ફોટો અને વિડિયોમાં તો એવું જ લાગતું હતું કે જાણે આ ‘પીત્ઝા હટ’ના અસલી આઉટલેટની શરૂઆત છે. જોકે પાકિસ્તાનની ‘પીત્ઝા હટ’ બ્રાન્ચે જાહેર નોટિસ આપીને સ્પષ્ટ કર્યું કે ‘આ આઉટલેટ સંપૂર્ણપણે નકલી છે. સિયાલકોટના કૅન્ટોનમેન્ટમાં ખૂલેલું આ આઉટલેટ અમારી બ્રૅન્ડ સાથે જોડાયેલું નથી. આ રેસ્ટોરાં ન તો અમારી રેસિપી ફૉલો કરે છે, ન ફૂડ-સેફ્ટી અને ઑપરેશનલ સ્ટાન્ડર્ડ્સ.’ કંપનીએ ખોટી રીતે પીત્ઝા હટનો ટ્રેડમાર્ક વાપરવા પર ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટના પછી સોશ્યલ મીડિયામાં પાકિસ્તાનના રક્ષાપ્રધાનની મશ્કરી થઈ રહી છે.


