. ઍમ્સ્ટરડૅમમાં દર વર્ષે દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ ઊમટે છે.
ઍમ્સ્ટરડૅમની તસવીર
આપણા દેશમાં વિવિધ રાજ્યો દ્વારા પ્રવાસીઓને આવકારવા માટે અવનવા ઉપાયો કરવામાં આવતા હોય છે ત્યારે યુરોપિયન દેશ નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડૅમની સરકારે પ્રવાસીઓનો ધસારો ખાળવા માટે અવનવા ઉપાયો લાગુ કર્યા છે. બુધવારે અહીંની લોકલ ગવર્નમેન્ટે નવી હોટેલના નિર્માણ પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે એટલે કે શહેરમાં નવી એક પણ હોટેલ બની શકશે નહીં. જો કોઈ જૂની હોટેલ બંધ થાય તો જ નવી હોટેલની મંજૂરી મળશે એવું સરકારે સ્પષ્ટ કર્યું છે. ઍમ્સ્ટરડૅમમાં દર વર્ષે દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ ઊમટે છે. પ્રવાસીઓની સંખ્યા પર નિયંત્રણ મૂકવા માટે અહીં સેક્સ-વર્કર્સની સંખ્યા પર કન્ટ્રોલ મૂકવામાં આવ્યો છે અને સાથે જ ડ્રગ્સની હેરાફેરી સામે પણ ઍક્શન લેવામાં આવી છે. યુરોપભરમાં નેધરલૅન્ડ્સની ઇમેજ સેક્સ અને ડ્રગ્સના હબ તરીકે છે. હવે આ ઓળખને દૂર કરવા માટે સરકારે ગંભીરતાથી પ્રયાસ શરૂ કર્યા છે. જ્યારે ઍમ્સ્ટરડૅમમાં હજારો પ્રવાસીઓના કારણે શહેરમાં ટ્રાફિકની સાથે કાયદો અને વ્યવસ્થાના ઘણા પ્રૉબ્લેમ્સ સર્જાયા હતા જેના કારણે ખાસ કરીને મૂળ રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા હતા.

