આ માટે આ દેશે અરજીઓ મગાવી છે અને ૬૬ અરજીઓને મંજૂરી પણ આપી દેવામાં આવી છે
ટચૂકડો દેશ નાઉરુ
પૅસિફિક મહાસાગરમાં આવેલો ૧૨,૫૦૦ નાગરિકો ધરાવતો અને માત્ર ૨૧ ચોરસ કિલોમીટરમાં આવેલો દુનિયાનો ત્રીજા નંબરનો ટચૂકડો દેશ નાઉરુ એની નાગરિકતા વેચી રહ્યો છે અને માત્ર ૧,૦૫,૦૦૦ ડૉલર એટલે કે ૯૧.૫ લાખ રૂપિયામાં આ દેશની નાગરિકતા મળી શકે છે. આ માટે આ દેશે અરજીઓ મગાવી છે અને ૬૬ અરજીઓને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. નાઉરુના ગોલ્ડન પાસપોર્ટથી ૮૯ દેશોમાં વીઝા વિના એન્ટ્રી મળી શકે એમ છે. એમાં બ્રિટન, આયરલૅન્ડ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), સિંગાપુર અને હૉન્ગકૉન્ગ સામેલ છે. આ દેશ શુદ્ધ ફૉસ્ફેટને કારણે સમૃદ્ધ હતો, પણ હવે તમામ ભંડાર ખતમ થઈ ગયા છે અને ખાણનો ૮૦ ટકા વિસ્તાર રહેવા જેવો રહ્યો નથી. નાઉરુના પ્રેસિડન્ટ ડેવિડ અડિયાંગે કહ્યું હતું કે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું હોવાથી સ્થાનિક નાગરિકોને હવે સમુદ્રની સપાટીથી ઊંચા વિસ્તારોમાં વસાવવા માટે આશરે ૫૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે અને આ નાણાં એકઠાં કરવા માટે નાગરિકતા વેચવામાં આવી રહી છે. આશરે ૫૦૦ લોકોને આ રીતે દેશના નાગરિક બનાવવામાં આવશે.

