પુણેમાં મુળા-મુઠા નદીમાં પાણીનું સ્તર વધ્યું હોવાને કારણે કેશવનગર અને ખરાડી ગાવઠણ વિસ્તારના આકાશમાં મચ્છરના ટોળાએ વાવાઝોડું સરજ્યું હતું.
What`s Up!
મચ્છરોનું ટોળું
એક-બે, પંદર-પચીસ, સો-પાંચસો નહીં... લાખોની સંખ્યામાં મચ્છરોનો રાફડો આકાશમાં ઊમટ્યો હોય એવી તસવીરો સોશ્યલ મીડિયા પર અનેક લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. બીઇંગ પુણેના ઑફિશ્યલ અકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે. એની કૅપ્શનમાં લખ્યું છે, ‘કેશવનગર ખરાડી પાસે નદી પર મચ્છરોનું ટોળું.’
વિડિયોમાં મચ્છરોનું ટોળું દેખાય છે. પુણેમાં મુળા-મુઠા નદીમાં પાણીનું સ્તર વધ્યું હોવાને કારણે કેશવનગર અને ખરાડી ગાવઠણ વિસ્તારના આકાશમાં મચ્છરના ટોળાએ વાવાઝોડું સરજ્યું હતું. આ અસામાન્ય ઘટનાએ લોકોને આઘાતની સાથોસાથ ચિંતિત પણ કરી દીધા છે. લોકો એને ખૂબ જ ખતરનાક ગણાવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં ઊડતા મચ્છરને કારણે લોકો ઘરનાં બારીબારણાં બંધ કરીને ઘરમાં જ પુરાઈ ગયા છે. લોકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે. મલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી લોકો ભયભીત છે.
કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર મચ્છરના ચક્રવાતનો વિડિયો શૅર કરીને પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનને એ માટે જવાબદાર ઠેરવ્યું હતું. એક રહેવાસીએ આ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો અને કટાક્ષમાં લખ્યું કે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશને કેશવનગરના રહેવાસીઓને સમયસર ટૅક્સ ભરવાના બદલામાં વૅલેન્ટાઇન્સ ગિફ્ટ આપી છે. મચ્છરનો આ વંટોળ ખૂબ ખતરનાક પરિણામ આપી શકે છે. કોઈક ડાહ્યાએ સાચી સલાહ આપી છે કે પીએમસીએ એના રિવરફ્રન્ટ અને રિવર ક્લીનિંગ પ્રોજેક્ટને ઝડપી બનાવવું જોઈએ, એનાથી પાણીની અછતની સમસ્યા પણ દૂર થઈ જશે.’