કલ્ચર મિનિસ્ટરીના જણાવ્યા અનુસાર ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં રાયપુર સર્કલ અને શિમલા સર્કલ હેઠળ મહત્તમ સ્થળોની શોધ કરવામાં આવી હતી.
What`s Up!
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં ૯ વર્ષમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ) દ્વારા હાથ ધરવામાં આવેલાં સંશોધનો હેઠળ મંદિર અને મસ્જિદના ખંડિયેર અને શિલાલેખ સહિત અશ્મિઓ અને ચોલા, પાંડે અને પલ્લવના શિલાલેખ સહિત નોંધપાત્ર પ્રાચીન વસ્તુઓના અવશેષ મળી આવ્યા છે. આ બધી શોધખોળ ૨૦ રાજ્યોમાં ૩૧૦૦થી વધુ સ્થળો પર હાથ ધરવામાં આવી હતી. પુરાતત્ત્વીય અવશેષોની શોધખોળ કરવા અને દસ્તાવેજ કરવા માટે શરૂ કરાયેલા ‘ગામથી ગામ’ સર્વેક્ષણના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. કલ્ચર મિનિસ્ટરીના જણાવ્યા અનુસાર ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં રાયપુર સર્કલ અને શિમલા સર્કલ હેઠળ મહત્તમ સ્થળોની શોધ કરવામાં આવી હતી.
રાયપુર સર્કલ હેઠળ ૬૭૯ સ્થળોનો સર્વે કરવામાં આવ્યો હતો; જેમાં શિલ્પો, શિવલિંગ, સતી સ્તંભ, હિન્દુ દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ સાથે પ્રાચીન પ્રવેશદ્વાર વગેરે નોંધપાત્ર તારણો પૈકી છે. શિમલા સર્કલમાં એજન્સીએ મંદિરો અને મસ્જિદોનાં શિલ્પ અને અવશેષો સ્થિત ૬૭૦ સ્થળો પર સંશોધન હાથ ધર્યું હતું. મૈસૂરની એપિગ્રાફી બ્રાન્ચને દક્ષિણ ભારતમાંથી ઉદ્ભવેલા રાજવંશો જેવા કે કોંગુ-ચોલા, ચોલા, પંડ્યા અને પલ્લવનાં ૨૩ સ્થળો પરથી શિલાલેખો મળી આવ્યા હતા. ચેન્નઈ સર્કલને પેઇન્ટિંગ, તામિલ શિલાલેખ, મંદિરો સાથે કુદરતી ગુફાની જાણ થઈ હતી. ૩૨૭ સ્થળોએ શોધખોળ કરનાર જયપુર સર્કલની ટીમને કબર, રૉક કાપીને ગુફાઓ અને સિક્કા મળી આવ્યાં હતાં. ગામથી ગામ સર્વેની યોજના એપ્રિલ ૨૦૧૪માં ફરી શરૂ કરવામાં આવી હતી. એએસઆઇ દ્વારા પ્રારંભિક ઐતિહાસિક શિલાલેખો, સિક્કાશાસ્ત્ર અને અન્ય મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીય શોધોને વિભાગીય પ્રકાશનોમાં દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.