કેન્દ્ર સરકારે ૧૨ માર્ચે રાજ્યોને કહ્યું હતું કે શ્વાનના હુમલાથી માણસોનાં મૃત્યુ થયાં હોવાના વધી રહેલા કેસને પગલે ૨૩ પ્રકારના બ્રીડની આયાતને રોકવામાં આવે
પિટબુલની તસવીર
કેન્દ્ર સરકારે પિટબુલ સહિતના આશરે ૨૩ જાતના શ્વાનને માનવજીવન માટે ખતરનાક ગણાવીને એને રાખવા તથા એના વેચાણ અને બ્રીડિંગ માટે લાઇસન્સ કે પરવાનગી નહીં આપવા ૧૨ માર્ચે બહાર પાડેલા સર્ક્યુલરને કર્ણાટક હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે. કેન્દ્રના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે આવા પેટ ડૉગ્સના બ્રીડની નસબંધી કરી દેવામાં આવે. સર્ક્યુલરના વિરોધમાં ડૉગ બ્રીડર કિંગ સોલોમન ડેવિડે કરેલી પિટિશનની સુનાવણી વખતે જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ નિર્ણય શા માટે કર્યો એનો આધાર જણાવવો પડશે. જ્યાં સુધી તેઓ દસ્તાવેજ રજૂ કરતા નથી ત્યાં સુધી સ્ટે જારી રહેશે.
કેન્દ્ર સરકારે ૧૨ માર્ચે રાજ્યોને કહ્યું હતું કે શ્વાનના હુમલાથી માણસોનાં મૃત્યુ થયાં હોવાના વધી રહેલા કેસને પગલે ૨૩ પ્રકારના બ્રીડની આયાતને રોકવામાં આવે, એટલું જ નહીં, આ ખતરનાક શ્વાનના બ્રીડિંગ અને વેચાણ પર પણ રોક લગાવવામાં આવે. આ ૨૩ શ્વાનની જાતમાં રોટવિલર અને પિટબુલનો સમાવેશ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ શ્વાનોની મિક્સ બ્રીડ અને ક્રૉસ બ્રીડ પર પ્રતિબંધ લગાવવામાં આવે.

