જપાનના સોશ્યલ મીડિયામાં ફોટો વાઇરલ થયા ત્યારે લોકો વિશ્વાસ કરી શકતા નહોતા કે એ વાસ્તવિક છે.
વાયરફ્રેમ કાર
પહેલી નજરે જોતાં આ કોઈ કમ્યુટર જનરેટેડ ઇમેજિસ હોય એવું લાગે, પરંતુ નજીકથી જોઈએ ત્યારે ખબર પડે કે આ કોઈ ફોટો નથી, વાઇટ વાયરફ્રેમ કાર છે. જપાનની મેટલ પ્રોસેસિંગ કંપની યામાગુચી સિસાકુશોએ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે એક વિગતવાર વાયરફ્રેમ કાર બનાવી છે, જે કોઈ ઑગમેન્ટેડે રિયલિટી હોય એવું લાગે. પોકેમોન ગો જેવી મોબાઇલ વિડિયો ગેમ રમનારાઓ ઑગમેન્ટેડ રિયલિટી વિશે થોડું જાણતા હોય છે, જેમાં વાસ્તવિક વાતાવરણની ઉપર ડિજિટલ આવરણ દેખાય છે એથી આ કાર પણ એવી જ હોય એવી લાગે. જોકે એને ખૂબ મહેનતથી મેટલ વાયરમાંથી બનાવવામાં આવી છે. જપાનના સોશ્યલ મીડિયામાં ફોટો વાઇરલ થયા ત્યારે લોકો વિશ્વાસ કરી શકતા નહોતા કે એ વાસ્તવિક છે.

ADVERTISEMENT
જપાનના યોશિકાવા શહેરમાં આવેલી આ કંપનીની મૅનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે વાયરફ્રેમ કાર ૧૦ વર્ષ પહેલાં કાર કન્વેન્શન માટે કમિશન કરવામાં આવી હતી. આ એક વિચિત્ર વિનંતી હતી, પરંતુ મૅનેજમેન્ટે ફૅક્ટરીની ટેક્નિકલ ક્ષમતાઓ દર્શાવવાની તક તરીકે આ પડકારને ઝીલી લીધો હતો. વાયરફ્રેમ વાહનને પહેલાં થ્રીડી કેડ સૉફ્ટવેર સાથે ડિઝાઇન કરાયું હતું. ત્યાર બાદ લેસર કટરનો ઉપયોગ કરીને ધાતુને કાપવામાં આવી હતી અને વેલ્ડિંગ કરીને વિગતવાર વાયરફ્રેમ કાર તૈયાર કરવામાં આવી હતી. ૨૦૧૬ સુધી આ કાર પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નહોતું, પરંતુ તાજેતરમાં નિઝા સિટીમાં આ કાર મૂકવામાં આવતાં એના ફોટો વાઇરલ થયા હતા.
