આ કરચલાને કારણે માછલીઓની સંખ્યા સમુદ્રના કિનારાના વિસ્તારોમાંથી ઘટી ગઈ છે અને એને કારણે ઇટલીને ૨૦૦ મિલ્યન યુરો એટલે કે લગભગ ૨૨૨૪ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.
બ્લુ કરચલાનો આતંક વધતાં ઇટલીના સમુદ્રકિનારે ૧.૩૦ લાખ ઑક્ટોપસની ફોજ ઉતારવામાં આવી
ઇટલીમાં બ્લુ ક્રૅબને કારણે સમુદ્રમાં ભારે તબાહી મચી રહી છે. આ કરચલા ખૂબ ખતરનાક હોય છે અને એની વસ્તી ખૂબ જ તેજ ગતિએ વધી રહી છે. આ કરચલાને કારણે માછલીઓની સંખ્યા સમુદ્રના કિનારાના વિસ્તારોમાંથી ઘટી ગઈ છે અને એને કારણે ઇટલીને ૨૦૦ મિલ્યન યુરો એટલે કે લગભગ ૨૨૨૪ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. આ સમસ્યાને નાથવા માટે ઇટલીએ સમુદ્રશાસ્ત્રીઓને કામે લગાડ્યા છે. બ્લુ કરચલા મૂળે ઍટલાન્ટિક મહાસાગરના રહેવાસી છે, પરંતુ ધીમે-ધીમે એ ઇટલીના કિનારાઓમાં આવીને વસ્યા છે અને હવે એની સંખ્યા દિવસે ન વધે એટલી રાતે વધે છે. બોલોગ્ના યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ આ માટે ઑક્ટો-બ્લુ પ્રોજેક્ટ નામનો તોડ કાઢ્યો છે. બ્લુ ક્રૅબની સામે સમુદ્રમાં લાખોની સંખ્યામાં ઑક્ટોપસ છોડવામાં આવ્યા છે. ઑક્ટોપસનો ખોરાક ક્રૅબ હોય છે અને એ એક દિવસમાં ચારેક ક્રૅબ પકડીને ખાઈ શકે છે. સમુદ્રમાં ઉતારેલી ઑક્ટોપસ આર્મી અત્યારે પ્રયોગાત્મક ધોરણે બે શહેરોના સમુદ્રકિનારે તહેનાત કરવામાં આવી છે. જો એ સફળ થશે તો અન્ય દરિયાકિનારાઓમાં પ્રોજેક્ટ ફેલાવવામાં આવશે.
