એ લક્ઝરી આઇટમોમાં પણ ઘડિયાળનો નંબર સૌથી પહેલો છે.
ઘડિયાળની તસવીર
આમ જનતા માટે જે પ્રોડક્ટ્સ ખરીદવાનું સપનું પણ મોંઘું પડે એવી લક્ઝુરિયસ ચીજો ધનપતિઓ પૈસાના રોકાણના દૃષ્ટિકોણથી ખરીદે છે. અતિશ્રીમંત લોકો ઇન્વેસ્ટમેન્ટ માત્ર પ્રૉપર્ટી, કારોબાર, સ્ટૉકમાર્કેટ કે સ્થાવર-જંગમ મિલકતોમાં જ કરે એવું નથી. તેઓ લગભગ ૧૭ ટકા રોકાણ લક્ઝરી ગુડ્સમાં કરે છે. એ લક્ઝરી આઇટમોમાં પણ ઘડિયાળનો નંબર સૌથી પહેલો છે. એ પછી નંબર આવે છે કલાકૃતિઓ અને જ્વેલરીનો. નાઇટ ફ્રૅન્ક ઇન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઇટ ફ્રૅન્કે બુધવારે ‘ધ વેલ્થ રિપોર્ટ-૨૦૨૪’’ બહાર પાડ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે અલ્ટ્રા-હાઈ નેટવર્થ વ્યક્તિઓએ (યુએચએનડબ્લ્યુઆઇ) તેમની રોકાણ કરી શકાય એવી સંપત્તિના ૧૭ ટકાનો લક્ઝરી આઇટમો પાછળ ખર્ચ કર્યો છે. ૨૫૦ કરોડ રૂપિયાથી વધુની નેટવર્થ ધરાવતા લોકો યુએચએનડબ્લ્યુઆઇની કૅટેગરીમાં આવે છે. કન્સલ્ટન્સી ફર્મે જણાવ્યું હતું કે યુએચએનડબ્લ્યુઆઇ દ્વારા લક્ઝરી પ્રૉપર્ટીમાં રોકાણ કરવા પાછળનું મુખ્ય કારણ કંઈક ધરાવવાનો આનંદ છે. લક્ઝરી ઘડિયાળો ભારતીય યુએચએનડબ્લ્યુઆઇમાં રોકાણનો પસંદગીનો ઑપ્શન છે. ત્યાર બાદ આર્ટફૅક્ટ્સ અને જ્વેલરીનો નંબર આવે છે. ‘ક્લાસિક’ કાર ચોથા સ્થાને છે. આ પછી લક્ઝરી હૅન્ડબૅગ, વાઇન, દુર્લભ વ્હિસ્કી, ફર્નિચર, રંગીન હીરા અને સિક્કાઓનો નંબર આવે છે. જોકે વૈશ્વિક સ્તરે અતિ સમૃદ્ધ લોકોની પસંદગી લક્ઝરી ઘડિયાળો અને ક્લાસિક કાર છે.

