એક નજર કરીએ આવા હાઇબ્રીડ ડૉગ પર...

વુલ્ફ-ડૉગ, ફૉક્સ-ડૉગ, જૅકલ-ડૉગ
વિશ્વમાં સૌથી વિચિત્ર હાઇબ્રીડ ડૉગ બ્રાઝિલમાં જોવા મળે છે, જેમાં વુલ્ફડૉગ અને કોયડૉગનો સમાવેશ છે, પરંતુ શું હાઇબ્રીડમાં ડોમેસ્ટિક અને જંગલી પ્રાણી બન્નેના સ્વભાવનું મિશ્રણ હોય છે. બ્રાઝિલમાં તાજેતરમાં ફૉક્સ અને ડૉગનું હાઇબ્રીડ મળી આવ્યું હતું, જેને ‘ડૉગ્ઝિમ’ નામથી ઓળખવામાં આવે છે. એક નજર કરીએ આવા હાઇબ્રીડ ડૉગ પર...
વુલ્ફ-ડૉગ
વરુ અને ડૉગમાં બહુ મોટો શારીરિક લાક્ષણિકતાનો ફરક નથી. તેઓ સંવનન કરી શકે છે. યુકેમાં આવા પહેલી પેઢીના વુલ્ફડૉગને રાખવા માટે અલગથી લાઇસન્સ લેવું જરૂરી છે. આવા હાઇબ્રીડ ડૉગ મોટા ભાગે વરુ અને જર્મન શેફર્ડ ડૉગ અથવા હસ્કીના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આવા વુલ્ફડૉગને દોડવા માટે ઘણી જગ્યાની જરૂર હોય છે. વળી એને ડોમેસ્ટિક ડૉગ કરતાં વધુ કસરત અને ધ્યાનની જરૂર હોય છે. એને ઘરે એકલા છોડી ન શકાય. એના પૂર્વજોની જેમ વુલ્ફડૉગ્સ ઘણો અવાજ કરે છે. એ ડૉગ પોતાના માલિકનું માને એવી શક્યતા ઘણી ઓછી હોય છે. એટલું જ નહીં, તેઓ ઘણા આક્રમક પણ હોય છે. માત્ર અનુભવી હૅન્ડલરોને તેમ જ પરિવાર ન હોય એવા લોકોને જ વુલ્ફડૉગ રાખવાની સલાહ આપવામાં આવે છે.
ફૉક્સ-ડૉગ
બે દિવસ પહેલાં જ બ્રાઝિલમાં ફૉક્સ-ડૉગ મળ્યા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. બે વર્ષ પહેલાં એક કાર સાથે અથડાયા બાદ વેટ પણ આ માદા ડૉગ છે કે શિયાળ એ નક્કી કરી શક્યા નહોતા. ઘણાં આનુવંશિક પરીક્ષણો બાદ ખબર પડી કે એ ડૉગ અને શિયાળના મિશ્રણથી જન્મી છે. તેની માતા શિયાળ હતી અને પિતા પાલતુ ડૉગ હતો. હાલમાં એ બચ્ચું મૃત્યુ પામ્યું છે, પરંતુ નિષ્ણાતોના મતે આવા ઘણા ડૉગ્ઝિમ હોઈ શકે છે. એનું હલનચલન શિયાળ જેવું હતું અને એ ઉંદર ખાતો હતો અને ડૉગની માફક ભસતો હતો, એટલું જ નહીં, રમકડા સાથે પણ એ રમતો હતો.
જૅકલ-ડૉગ
રશિયાના જીવવિજ્ઞાની ક્લિમ સુલિમોવ દ્વારા જૅકલ અને રેન્ડિયર હસ્કી જાતિના ડૉગના હાઇબ્રીડની મદદથી શલાઇકા ડૉગ તૈયાર કરવામાં આવ્યો હતો, જે બન્ને પ્રજાતિઓનાં વિશિષ્ટ લક્ષણ ધરાવે છે. આ ડૉગને રશિયાની ઍરલાઇન માટે મૉસ્કોમાં બૉમ્બ શોધવા માટે ૨૦૧૯થી આ હાઇબ્રીડ જાતિના ૫૦ કરતાં વધુ બચ્ચાંઓને તહેનાત કરવામાં આવ્યાં છે. વિસ્ફોટકો શોધવા એ શલાઇકાઓની મુખ્ય ફરજ છે. ગંધની એની સમજને કારણે અન્ય કોઈ પણ પ્રકારનાં સાધનો કરતાં એ વધુ વિશ્વસનીય સાબિત થયાં છે. તેઓ વરુ સાથે વધુ સમાનતા ધરાવે છે.