પોલીસ-સ્ટેશનમાં તો ભારતનો કાયદો જ આખરી ગણાય. જોકે મધ્ય પ્રદેશના ખઠડવામાં આવેલું મોઘત પોલીસ-સ્ટેશન કાયદાને તો માને છે, પરંતુ એમાં દરેક નિર્ણય હનુમાનજીને સાક્ષી રાખીને લેવાય છે.
મધ્ય પ્રદેશના ખઠડવામાં આવેલું મોઘત પોલીસ-સ્ટેશન
પોલીસ-સ્ટેશનમાં તો ભારતનો કાયદો જ આખરી ગણાય. જોકે મધ્ય પ્રદેશના ખઠડવામાં આવેલું મોઘત પોલીસ-સ્ટેશન કાયદાને તો માને છે, પરંતુ એમાં દરેક નિર્ણય હનુમાનજીને સાક્ષી રાખીને લેવાય છે. એવી લોકવાયકા છે કે આ પોલીસ-સ્ટેશનમાં એ જ વ્યક્તિ પોતાનો કાર્યકાળ પૂરો કરી શકે છે જે પોલીસ-સ્ટેશનમાં એક તરફ બિરાજમાન હનુમાજીની ભક્તિ અને પૂજાપાઠ કરે છે. છેલ્લાં ૪૦ વર્ષથી આ શિરસ્તો રહ્યો છે. મોઘત પોલીસ-સ્ટેશનના તમામ પોલીસ ઑફિસરો અને અહીંની સ્થાનિક જનતા સુધ્ધાં એવું માને છે કે આ સ્ટેશનના ઇન્ચાર્જ ભગવાન હનુમાન જ છે. કોઈ પણ નવો ઑફિસર અહીં જોડાય એટલે પહેલાં જ તેણે મેઇન ગેટ પર બિરાજમાન બજરંગબલીની મૂર્તિને પહેલી સૅલ્યુટ કરવાની રહે છે. જો આ ટ્રેડિશનને તમે તોડો તો એનાથી અનહોની થઈ શકે છે. ૧૯૯૦ની સાલમાં કેટલાક ઑફિસરોએ આ નિયમ પાળ્યો નહોતો અને તેમને થોડા જ સમયમાં કેટલાક વિવાદાસ્પદ કેસમાં ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ક્વાયરી અને પછી સસ્પેન્શન ભોગવવું પડ્યું હતું.
દર વર્ષે અહીં હનુમાન જયંતી નિમિત્તે મોટો ઉત્સવ થાય છે. ૫૦૦૦થી વધુ લોકો પોલીસ-સ્ટેશનના પ્રાંગણમાં એકઠા થાય છે, ભંડારો અને પ્રસાદ વિતરણ થાય છે. સ્થાનિક લોકો પણ માને છે કે આ બજરંગબલીની હાજરીને કારણે જ તેમના વિસ્તારોમાં ક્રાઇમ ઓછા થાય છે.


