જોકે નવાઈની વાત એ છે કે સંપત્તિ લેવા માટે આવેલા સેંકડો ઉમેદવારોની વચ્ચે કેટલાક ગણ્યાગાંઠ્યા એવા લોકો પણ છે જેઓ સંપત્તિ વિના પણ બિલ્લીને દત્તક લેવા તૈયાર છે.
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં રહેતા ૮૨ વર્ષના લૉન્ગ નામના દાદાને તેમની શિયાનબા નામની બિલાડીની બહુ ચિંતા થાય છે. પોતાની તબિયત નરમગરમ રહે છે એટલે તેમને ચિંતા સતાવે છે કે તેમના ગયા પછી ખૂબ પ્રેમ અને લાડથી પાળેલી શિયાનબાનું શું થશે? એક વરસાદી સાંજે લૉન્ગે શિયાનબા અને એનાં ત્રણ બચ્ચાંને બચાવી લીધાં અને પછી પોતાની સાથે જ રાખી લીધાં. ૧૦ વર્ષ પહેલાં જ લૉન્ગભાઈની પત્નીનું નિધન થઈ ચૂક્યું છે અને હવે માત્ર શિયાનબા જ તેમની સાથે બચી છે. એકલા જ રહેતા લૉન્ગભાઈએ ગુઆંગડૉન્ગ રેડિયો અને ટીવી પર જાહેરખબર આપી હતી કે જે વ્યક્તિ તેમની આ લાડલી બિલ્લીની સારી રીતે દેખભાળ રાખશે તેને તેઓ પોતાની સંપત્તિ આપવા માગે છે. તેમની સંપત્તિમાં સરસ મજાનો એક ફ્લૅટ છે અને થોડીઘણી બચત પણ છે. જ્યારથી આ જાહેરાત આપી છે ત્યારથી લૉન્ગનો ફોન રણક્યા જ કરે છે. જોકે આ માટે તેઓ એમ જ કોઈના પર ભરોસો નથી મૂકવા માગતા. તેમને ઘણી ઑફર મળી છે, પરંતુ ખરેખર બિલ્લીની કાળજી રાખે એવો ઉમેદવાર મળતો નથી. કેટલાક લોકોને શંકા છે કે બિલ્લીને દત્તક લીધા પછી જો લૉન્ગભાઈનો કોઈ સંબંધી સંપત્તિ પર દાવો ઠોકવા આવી જાય તો શું? જોકે નવાઈની વાત એ છે કે સંપત્તિ લેવા માટે આવેલા સેંકડો ઉમેદવારોની વચ્ચે કેટલાક ગણ્યાગાંઠ્યા એવા લોકો પણ છે જેઓ સંપત્તિ વિના પણ બિલ્લીને દત્તક લેવા તૈયાર છે.

