નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડૅમમાં આવેલી ધ સિંગર લારેન મ્યુઝિયમમાંથી ૧૮૮૪માં તૈયાર કરવામાં આવેલું પેઇન્ટિંગ માર્ચ ૨૦૨૦માં ચોરાયું હતું

પેઇન્ટિંગ
મ્યુઝિયમમાં રાખવામાં આવેલાં જૂનનાં પેઇન્ટિંગ્સની કિંમત કરોડો રૂપિયાની હોય છે. ત્રણ વર્ષ પહેલાં ચોરાયેલું વિન્સેન્ટ વાન ગૉઘનું પેઇન્ટિંગ ઇન્ડિયાના જૉન્સ તરીકે જાણીતા આર્ટ ડિટેક્ટિવ આર્થર બ્રૅન્ડે શોધી કાઢ્યું હતું. પાંચ મિલ્યન પાઉન્ડ (અંદાજે બાવન કરોડ રૂપિયા)ની કિંમતનું આ પેઇન્ટિંગ તેમણે શોધ્યું હતું. નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડૅમમાં આવેલી ધ સિંગર લારેન મ્યુઝિયમમાંથી ૧૮૮૪માં તૈયાર કરવામાં આવેલું પેઇન્ટિંગ માર્ચ ૨૦૨૦માં ચોરાયું હતું. આ પેઇન્ટિંગને ગ્રૉનિન્જર મ્યુઝિયમમાંથી થોડા સમય માટે અહીં લાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગને બે ઓશીકાની વચ્ચે રાખવામાં આવ્યું હતું.
ડચ ડિટેક્ટિવ આર્થર બ્રૅન્ડે અગાઉ પણ આવી ઘણી ચોરાયેલી કીમતી વસ્તુ શોધી કાઢી છે. જોકે આ પેઇન્ટિંગ શોધવાના કામને પોતાના જીવનનું શ્રેષ્ઠ કામ ગણે છે. જે વ્યક્તિએ ડિટેક્ટિવને આ પેઇન્ટિંગ પાછું આપ્યું હતું તેણે પોતાની સલામતી માટે ઓળખ છતી નથી કરી. શોધવામાં આવેલા પેઇન્ટિંગના ખરાઈની ચકાસણી કરવામાં આવશે. હાલ પૂરતું એને ઍમ્સ્ટરડૅમના વાન ગૉઘ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. પેઇન્ટિંગ ચોરાતાં ઇન્શ્યૉરન્સ કંપનીએ ગ્રૉનિન્જર મ્યુઝિયમને વળતર આપી દીધું હતું એથી આ પેઇન્ટિંગની ખરી માલિક હવે ઇન્શ્યૉરન્સ કંપની છે. જોકે નિયમ મુજબ ફરીથી ખરીદવાનો પહેલો હક મ્યુઝિયમને મળશે. આ એક પેપર પેઇન્ટિંગ છે, જેમાં એક વ્યક્તિ બાગમાં ઊભો છે અને પાછળ ચર્ચ દેખાય છે. ત્યારે ચિત્રકાર નેધરલૅન્ડ્સના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હતો અને ત્યાં જ આ ચિત્ર બનાવતો હતો.